દીવાળીપુરા કોર્ટની પાછળ રાતે સાડા દશ વાગ્યે જાહેર રોડ પર બે કાર ઉભી રાખી તેના પર કેક મૂકી ફટાકડા ફોડી બર્થડેની ઉજવણી કરતા 6 યુવકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક લોકો દીવાળીપુરા કોર્ટની પાછળ જાહેર રોડ પર બે કાર ઉભી રાખી રસ્તો રોકી બર્થડેની ઉજવણી કરતા હતા. યુવકોએ કાર પર કેક મૂકી ફટાકડા ફોડી ઉજવણી કરી હોવાની વિગતો અકોટા પોલીસના ધ્યાને આવતા પોલીસે તપાસ શરૂ કરતા આ યુવકો ગદાપુરાના હોવાનું બહાર આવ્યું હતું. વીડિયોમાં દેખાતા યુવકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ગત 25 મી તારીખે સંજય ઉર્ફે ક્રિષ્ણા રાજુભાઇ માળી,ઉં.વ.29 (રહે. દીવાળીપુરા કોર્ટની પાછળ,માળી મહોલ્લો)નો જન્મ દિવસ હતો. જેની ઉજવણીમાં હાજર (2) સાહિલ અર્જુનભાઇ માળી (રહે. ગદાપુરાના નાકા પસ માળી મહોલ્લો) (3) અલ્પેશ ચીમનભાઇ મકવાણા ( રહે.વાઘજીપુરા ગામ, ઓ.પી. રોડ) (4) પ્રકાશ મુકેશભાઇ માળી (રહે. દીવાળીપુરા કોર્ટ પાસે, માળી મહોલ્લો) (5) યજ્ઞાદેવસિંહ અશોકસિંહ જાડેજા (રહે. અભિષેક કોલોની, નટુભાઇ સર્કલ પાસે) (6) પ્રિન્સ સંગીતભાઇ જાદવ (રહે. ગદાપુરા ગામ) સામે અકોટા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.