શહેર-જિલ્લાના વિવિધ પોઇન્ટ પરના ચેકિંગ દરમિયાન
પીયુસીના સૌથી વધુ 2,906 તો, રેડ સેફ્ટીના 2,320 કેસ નોંધાયા : અંડર એઇજ લાયસન્સના 18 કેસ દાખલ કરાયા
ભાવનગર: શહેર-જિલ્લાના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર આરટીઓ દ્વારા નાણાંકીય વર્ષ દરમિયાન હાથ ધરેલ ચેકીંગમાં વિવિધ ૧૪ કેટેગરીમાં નિયમ ભંગ બદલ ૯,૪૩૫ ઇ-ચલણ મેમા આપી કુલ રૂા.૪.૩૦ કરોડથી વધુનો દંડ ફટકાર્યો હતો. જેમાં પીયુસીના સૌથી વધુ ૨,૯૦૬ કેસ નોંધાયા છે. તો લાયસન્સના પણ ૨,૦૮૯ કેસ થયા હતાં. જ્યારે અન્ડર એઈજ લાયસન્સવાળા ૧૮ કેસ સરકારી ચોપડે નોંધ્યા હતા.
ટ્રાફિક નિયમન અને રોડ સેફ્ટી માટે આરટીઓ ઇન્સપેક્ટરો નિયમિત ડ્રાઇવ કરતા હોય છે અને નિયમ ભંગ બદલ મેમા આપી દંડ ફટકારતા હોય છે. નાણાકીય વર્ષ મુજબ એપ્રિલ-૨૦૨૪થી માર્ચ-૨૦૨૫ દરમિયાન વિવિધ ૧૪ કેટેગરીમાં નિયમ ભંગ બદલ શહેર અને જિલ્લાના અલગ અલગ પોઇન્ટ પર ચેકીંગ દરમિયાન ભાવનગર આરટીઓએ વર્ષભરમાં ઇ-ચલણ દ્વારા ૯,૪૩૫ વાહન ચાલકોને મેમા આપ્યા હતાં. જેના દંડનો આંક રૂા.૪,૩૦,૮૭,૯૩૨ થવા પામ્યો હોવાનું જણાયું છે. આ વિવિધ ૧૪ કેટેગરીમાં પીયુસી નિયમ ભંગ બદલ સૌથી વધુ ૨,૯૦૬ મેમા અપાયા છે તો અન્ડર એજ લાયસન્સના ગુના સબબ ૧૮ મેમા અપાયા હોવાનું જણાયું છે. આ ઉપરાંત ઓવરલોડના કુલ ૧૦૪૬ કેસ થયા છે. તો ઘણીવાર વાહનની બહાર જોખમી સામાન વહન કરાતો હોય છે જેને ઓવર ડાયમેન્શનનો નિયમ લાગુ પડતો હોય છે. હાઇવે પરથી આરટીઓ દ્વારા આવા ૪૯૩ કેસ ઝડપાયા હતાં જેમાં પ્રત્યેક ટ્રેલરને ૧૦,૦૦૦ના દંડની જોગવાઇ છે. આમ આરટીઓ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સઘન કામગીરી કરી દંડ પેટે રૂા.૪.૩૦ કરોડથી વધુ રકમનો દંડ ફટકાર્યો હોવાનું જણાવ્યું હતું.
ડ્રાઇવિંગ લાયસન્સના વધુ કેસ પણ ફિટનેસના દંડનો આંકડો સૌથી વધુ
નિયમ ભંગ બદલ દરેક નિયમોમાં દંડની મર્યાદા નક્કી કરાઇ છે પરંતુ મોટાભાગે વાહન અટકાવાય એટલે પહેલો સવાલ લાયસન્સનો આવતો હોય છે. આરટીઓના વાહન ચેકીંગ દરમિયાન વર્ષભરમાં ૨૦૮૯ લોકો વગર લાયસન્સે મળી આવ્યા હતાં જેનો દંડ ૨૦૦૦ હોય ૪૧.૭૮ લાખનો દંડ ફટકારાયો હતો. તો ફીટનેસમાં ૫૦૦૦ના દંડની જોગવાઇ હોય વર્ષ દરમિયાન ૧૪૧૨ કેસ ફીટનેસના થતા દંડનો આંક ૭૦.૬૦ લાખે પહોંચ્યો હતો. જ્યારે ઇન્સ્યોરન્સ ન ભરનાર એવા ૧૯૪૧ લોકોને ૩૮.૮૨ લાખનો દંડ કરાયો હોવાનું જણાયું છે.
ડિસેમ્બર-2024માં સૌથી વધુ 46 લાખના દંડની વસૂલાત
નાણાકીય વર્ષ એપ્રિલ-૨૪થી માર્ચ-૨૫ દરમિયાન આરટીઓ કચેરી દ્વારા વાહન ચેકીંગ અંતર્ગત વર્ષમાં કુલ ૪.૩૦ કરોડનો દંડ ૧૪ કેટેગરી નિયમ ભંગ બદલ ફટકારાયો હતો જેમાં એપ્રિલમાં ૨૯.૯૯ લાખ, મેમા ૩૯.૩૯ લાખ, જૂનમાં ૩૪.૫૬ લાખ, જુલાઇમાં ૩૬.૦૭, ઓગસ્ટમાં ૪૨.૫૦ લાખ, સપ્ટે.માં ૨૫.૫૪ લાખ, ઓક્ટો.માં ૪૪.૬૩ લાખ, નવે.માં ૩૬.૦૨ લાખ, જ્યારે ડિસે.માં હાઇએસ્ટ ૪૬.૦૧ લાખ દંડ કર્યો હતો. જ્યારે જાન્યુ.-૨૫માં ૩૭.૫૫ લાખ, ફેબુ્ર.માં ૨૨.૯૩, માર્ચમાં ૩૫.૬૩ લાખનો દંડ ઝીંકાયો હોવાનું જણાયું છે.