Surat : સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલિકાના લેક ગાર્ડનમાં માછલી મરી જવાની ઘટના બાદ હવે સણીયા હેમાદ તળાવમાં સંખ્યાબંધ માછલી મરી ગઈ હોવાની વાત બહાર આવી છે. તળાવમાં મરેલી માછલીઓ મળી આવતા સ્થાનિકોએ પાલિકા અને જીપીસીબીને જાણ કરી છે અને પાણીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. તો બીજી તરફ સ્થાનિકોએ ઔદ્યોગિક પ્રદુષણના કારણે માછલી મરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.
સુરત શહેરને અડીને આવેલા સણીયા ગામમાં એક ગામ તળાવ આવ્યું છે. આ તળાવ કિનારે સ્થાનિકો સવારે ગયાએ હતા ત્યારે સંખ્યાબંધ માછલીઓ મરેલી જોવા મળી હતી. તળાવમાં અનેક માછલીઓ મરેલી દેખાતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. આ પહેલા આવો બનાવ બન્યો ન હતો તેથી સ્થાનિકોએ પાલિકાના વરાછા ઝોન અને જીપીસીબીને જાણ કરી છે તંત્ર પહોંચ્યું હતું અને પાણીના સેમ્પલ લઈ માછલી મરવા પાછળના કારણની તપાસ શરુ કરી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ પહેલા ઘટના બની નથી પરંતુ હાલમાં આ વિસ્તારમાં અનેક ગેરકાયદે એકમો ચાલી રહ્યાં છે આ ઉદ્યોગો દ્વારા ઝેરી અને કેમિકલયુક્ત કચરાનો નિકાલ તળાવ નજીક કરવામાં આવે છે તેના કારણે તળાવમાં માછલીઓ મરેલી જોવા મળી છે. આવા પ્રદુષણ ફેલાવતા ઉધ્યોગો સામે કામગીરી કરવાની માંગણી કરી છે.
આ અંગેની ફરિયાદ મળ્યા બાદ પાલિકાના વરાછા ઝોન અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જીપીસીબીને પણ જાણ કરવામાં આવી છે. પાણીના સેમ્પલ લઈને આગળની તપાસ હાધ ધરવામાં આવશે.