વક્ફ બોર્ડની ગણાવાતી મિલ્કત સરકારી જમીન પરનું દબાણ: આઈઓસી પ્લાન્ટ સામે સોએક વર્ષ જૂની દરગાહ આસપાસ નવું બાંધકામ ખડકવાનું શરૂ થયું હતુંકલેક્ટરની બેઠકમાં સૂચના,હાઈકોર્ટે અપીલ ફગાવ્યા બાદ કાર્યવાહી
રાજકોટ, : રાજકોટ-અમદાવાદ હાઈવે સિક્સલેનનું કામ ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ નજીક આણંદપર-કુવાડવા રોડ પર નેશનલ હાઈવે પર આઈ.ઓ.સી.ના પ્લાન્ટ સામે આવેલ યા હઝરત જલાલશાહપીર (ર.અ.)ની દરગાહનું દાયકાઓ જુનુ દબાણ આજે ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસના જડબેસલાખ બંદોબસ્ત વચ્ચે તોડી પાડીને જમીન ખુલ્લી કરાવાઈ છે. આ અંગે કલેક્ટર કચેરીના સૂત્રો અનુસાર આ દરગાહ સરકારી જમીન ઉપરનું દબાણ હતું. 62 વર્ષ પહેલા તે વકફ બોર્ડની મિલ્કત હોવાની દલીલ થઈ હતી પરંતુ, સરકારી જમીન પરનું દબાણ કરવાથી જમીનની માલિકી સરકારની જ રહે છે. આ અંગે નેશનલ હાઈવેના કામમાં આવતા અવરોધ અન્વયે કલેક્ટર પ્રભવ જોષીની અધ્યક્ષતામાં અધિકારીઓની સંકલન બેઠકમાં પણ આ ધાર્મિક બાંધકામ વાહનવ્યવહારથી સતત ધમધમતા હાઈવેને એકદમ અડીને આવેલ છે તેથી ત્યાં અકસ્માતનું પણ જોખમ જણાયું હતું.
આ બાંધકામ તોડી પાડવા અગાઉ નોટિસ અપાઈ હતી જે સામે કાનુની જંગ ખેલાયો હતો. હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી પરંતુ, હાઈકોર્ટે બન્ને પક્ષની રજૂઆતો બાદ અને આ સરકારી જમીન ઉપર દબાણ કરીને નિર્માણ થયેલ હોવા સહિતની રજૂઆત ધ્યાને લઈને અપીલ રદ કરી હતી જેના પગલે ડિમોલીશનનો માર્ગ ખુલ્લો થયો હતો. સૂત્રો અનુસાર આ દરગાહના જુના બાંધકામની બાજુમાં અનધિકૃત બાંધકામ પણ શરૂ થઈ ગયું હતું. આ અન્વયે આજે ઝોન -1 નાં ડીસીપી સજ્જનસિંહ પરમાર અને ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી.ભરત બસીયા સહિત અધિકારીઓએ પોલીસ કાફલા સાથે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સ્થળ પર જઈને આ અનધિકૃત બાંધકામને તોડી પાડીને જમીન ખુલ્લી કરાવી છે જ્યાં હાઈવેની કામગીરી હવે આગળ ધપશે. દરમિયાન રાજકોટ-જેતપુર હાઈવેને સિક્સલેન બનાવવાના કામમાં પણ ધાર્મિક દબાણો સહિત અનેક દબાણો હટાવાયા છે અને હજુ આ પ્રોજેક્ટમાં 23ગેરકાયદે ધાર્મિક બાંધકામો છે જેનું પણ ભવિષ્યમાં ડિમોલીશન થશે તેમ જાણવા મળ્યું છે.