પથ્થરમારો કરાતા 2 પોલીસ કર્મચારીને ઇજા : મહિલાઓએ રોડ પર સુઇ જઇ દબાણ હટાવ કામગીરીમાં અવરોધ કર્યો : ટોળાં વિખેર્યા બાદ 70 કાચાં- પાકાં રહેણાંકો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
વેરાવળ, : પ્રભાસપાટણ-સોમનાથમાં ગુડલક સર્કલ સામે નવા બસ સ્ટેન્ડ માટે ફાળવવામાં આવેલી સરકારી જમીન પરથી દબાણો હટાવવા તંત્ર દ્વારા ડિમોલીશન હાથ ધરાયું હતું. આ જમીન પર 70થી વધુ કાચા-પાકા રહેણાંક મકાનોના દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાતા તેમાં રહેતા પરિવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. મહિલાઓએ રસ્તા પર સુઇ જઇ ડિમોલીશન કામગીરીમાં અવરોધ ઉભો કરવા પ્રયત્ન કર્યો હતો.દરમિયાન દબાણકારો દ્વારા પથ્થરમારો કરાતા 2 પોલીસ કર્મચારીને ઇજા થઇ હતી. દબાણકારોના સમર્થનમાં ધારાસભ્ય પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તંત્ર દ્વારા સમજાવટ કરવા છતાં ન સમજતાં ધારાસભ્ય સહિત 15ની અટકાયત કરાઇ હતી.જ્યારે દબાણ હટાવવાની કામગીરીમાં રૂકાવટ કરનાર ધારાસભ્ય સહિત 40 સામે ગુનો નોંધાયો હતો.
પ્રભાસપાટણમાં ગુડલક સર્કલસામે આવેલી સરકારી જમીન નવા બસ સ્ટેન્ડ માટે ફાળવાઇ છે. પરંતુ આ જમીનમાં રહેણાંક મકાનોના વર્ષોથી ગેરકાયદે દબાણો ખડકાયેલા છે. તંત્ર દ્વારા અગાઉ દબાણો હટાવી જગ્યા કરવા અહીં ગેરકાયદે મકાનો બાંધીને રહેતાં પરિવારોને નોટિસ અપાઇ હતી. છતાં સ્વેચ્છાએ ખાલી કર્યા ન હતાં.
આ જમીન પર ખડકાયેલા 70 જેટલાં કાચા-પાકા રહેણાંક મકાનોનાં વીજ જોડાણ 3 દિવસ પહેલાં જ કાપી નાખવામાં આવ્યા હતા અને આજે સવારથી તંત્ર દ્વારા ડિમોલીશન હાથ ધરાયું હતું. આજે વહેલી સવારે પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકાનાં ચીફ ઓફિસરની હાજરીમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ ઉપરાંત 200 જેટલાં પોલીસ કર્મચારીઓનાં જડબેસલાક બંદોબસ્ત સાથે ડિમોલીશન શરૂ કરાયું હતું.
બાંધકામો તોડવાનું શરૂ થતાં અહીં રહેતા દબાણકાર પરિવારો દ્વારા રોડ પર ચક્કાજામ કર્યો હતો. મહિલાઓએ રોડ પર સુઇ જઇ દબાણ હટાવ કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો. દબાણકારોએ હાય હાયનાં નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે સમયે સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય સ્થળ પર પહોંચી દબાણકારો સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતાં.દબાણકારોએ બોલાચાલી કરી ફરજ ઉપર રહેલા કર્મચારીઓ સામે પથ્થરમારો કરતા બે પોલીસ કર્મચારી એ.એસ.આઈ હીરન ઝાલા તથા કરણભાઈ ચૌહાણ નેઈજાઓને ઇજા થઇ હતી.
તંત્ર દ્વારા સમજાવટ કરવા છતાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેતા અંતે પોલીસ દ્વારા ધારાસભ્ય સહિત 15ની અટકાયત કરાઇ હતી. બાદમાં તંત્ર તથા પોલીસ દ્વારા ટોળાને વિખેરી અને ગેરકાયદે મકાનો તોડવાનું શરૂ કર્યું હતું. 70 જેટલાં ગેરકાયદે કાચા-પાકા રહેણાંક મકાનો તથા કોમર્શિયલ બાંધકામો-દુકાનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. તથા 6,000 ચોરસમીટર સરકારી જમીન ખુલ્લી કરાવાઇ હતી.
ધારાસભ્ય સહિત 15ની અટકાયત : 40 સામે ગુનો દર્જ
પ્રભાસપાટણ શંખ સર્કલ પાસે સરકારી જમીનોમાં 70થી વધારે કાચા પાકા મકાનો તોડવાનો પ્રારંભ કરતા તેમાં રહેતા પરીવારોએ ભારે વિરોધ કર્યો હતો. કોગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ સ્થળ ઉપર જઇ દબાણકારો સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. ફરજમાં રહેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સાથે બોલાચાલી થઇ હતી. મોટું ટોળુ બનાવના સ્થળે ભેગું થતા અને તેમણે પથ્થરમારો કરતા બે પોલીસ કર્મચારી ને ઈજાઓ થઇ હતી. જથી પોલીસે ધારાસભ્ય સહિતસહીત 15ની અટકાયત કરેલ હતી. તેમજ સ્થળ ઉપરથી 11 નાસી ગયેલ હતા.આમ કુલ 40 સામે સરકારી કામમાં રૂકાવટ બદલ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરેલ છે.