Vadodara Accident : નેશનલ હાઇવે નંબર 48 પર ગતરાત્રે નોકરી પરથી પરત ઘરે જઈ રહેલ બાઈક સવાર નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રને કપુરાઇ-વાઘોડિયા ચોકડી વચ્ચે અજાણ્યા વાહને અડફેટે લેતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચવાથી મોત નીપજ્યું છે.
મૂળ સાવલી તાલુકાના ભાદરવા ગામના રહેવાસી અને હાલ કપૂરાઈ ખાતે અક્ષર ટેનામેન્ટમાં રહેતા ચીમનભાઈ પરમાર વર્ષ 2019માં વડોદરા ગ્રામ્ય પોલીસ વિભાગમાંથી એએસઆઈ તરીકે નિવૃત્ત જીવન ગુજારે છે. તેમનો 35 વર્ષીય દીકરો શનિકુમાર પરમાર મકરપુરા ખાતેની ખાનગી કંપનીમાં ડીઝલ મિકેનિક તરીકે નોકરી કરી પરિવારને મદદરૂપ બનતો હતો. ગઈકાલે 4 એપ્રિલના રોજ સવારે સાડા નવ કલાકની આસપાસ તેમનો પુત્ર શનિ રાબેતા મુજબ બાઈક લઇ મકરપુરા નોકરી પર ગયો હતો. સાંજે આઠ વાગ્યાની આસપાસ તેમને જાણ થઈ હતી કે, નેશનલ હાઇવે નંબર 48 પર સુરતથી અમદાવાદ તરફના માર્ગ ઉપર કપુરાઈ અને વાઘોડિયા બ્રિજની વચ્ચે તેમના પુત્રને અજાણ્યા વાહને અડફેટે લેતા તેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડાયો છે. જેથી તેઓ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ શનિને મૃત જાહેર કર્યો હતો. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.