– ગઢડા પંથકમાં છેલ્લા 24 કલાક દરમિયાન હત્યાનો બીજો બનાવ
– 2 મહિલા સહિત 8 વિરૂદ્ધ ઢસા પોલીસમાં ફરિયાદ નોંધાઈ, 8 લોકોને ઈજા પહોંચી
ગઢડા : ગઢડાના સીતાપર ગામના સામે કાંઠે આવેલી વડીલોપાજત જમીન બાબતે બે ભાઈઓના પરિવાર વચ્ચે બોલા ચાલી થઈ જતાં નાના ભાઈના પરિવારના હાથે મોટાભાઈની હત્યા થઈ ગઈ હતી. જોકે બન્ને પક્ષે મારામારી થતા બન્ને ભાઈઓના પરિવાર સભ્યોને ઇજા થઈ હતી.
જર, જમીન અને જોરૂ ત્રણેય કજિયાના છોરૂ આ કહેવતને સાર્થક કરતી ઘટનાની જાણવા મળતી વિગતો પ્રમાણે ગઢડાના સીતાપર ગામના સામ કાંઠે રહેતા અને ખેતી કામ કરતા વિજયભાઈ ભીખાભાઈ ઓળકિયા માતા-પિતાની વડિલોપાર્જિત જમીન વાવતો હતા અને જે માતા-પિતાનું ભરણ પોષણ કરે તે જમીન વાવે તેવી સમજુતી થઈ હતી અને આ બાબતે મોટાભાઈ નિરૂભાઇને બીજા બધા ભાઈઓ તથા માતા-પિતા સાથે અવાર નવાર ઝગડાઓ થતા હતા. દરમિયાનમાં ગત તા.૫ એપ્રિલના સાંજના સાડા સાત કલાકે મોટાભાઈ નીરૂ ભીખાભાઇ ઓળકીયા તેના પત્ની રશિલાબેન નીરૂભાઇ ઓળકીયા, પુત્ર રાહુલ નીરૂભાઇ ઓળકીયા અને અનીલ નીરૂભાઇ ઓળકીયા ધારીયા લોખંડના પાઇપ અને લાકડાના ધોકા સાથે ઘરે ધસી આવ્યા હતા અને પિતા સાથે જમીન બાબતે માથાકુટ કરી ગાળો આપી હતી. દરમિયાનમાં ઉશ્કેેરાયેલા ચારેયાએ વિજયભાઈ વિજયભાઈના પત્ની અલ્પાબેન અને મોટાભાઇ કરમશીભાઈ અને કરમશીભાઈના પુત્ર હસમુખભાઈ પર હાથમાં રહેલા હથિયારો વડે તૂટી પડયા હતા અને ચારેયને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત હાલતે કરમશીભાઈ સહિત ચારેયને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કરમશીભાઈ ભીખાભાઈ ઓળકિયાનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે વિજયભાઈએ એક મહિલા સહિત ચાર વિરૂધ્ધ ઢસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સામા પક્ષે રશીલાબેન નીરૂભાઇ ઓળકીયાએ ઢસા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, દિયર વિજય ભીખાભાઈ ઓળકિયા, દેરાણી અલ્પાબેને આવીને કહેલ કે, જમીન પર નવા મકાન બનાવ્યા છે. જમીનમાં ભાગ આપવાનો નથી અને ત્રણ દિવસમાં જેસીબી ફરી જશે તેવી વાત કરતા હતા તે દરમિયાન દેરાણીએ કરમશી ભીખાભાઈ ઓળકિયા અને તેના પુત્ર હસમુખને બોલાવી લીધા હતા. દરમિયાનમાં જમીન બાબતે બન્ને પરિવાર વચ્ચે ઉગ્ર બોલા ચાલી થતાં મામલો બિચકયો હતો અને ચારેયે લાખંડના પાઇપ વડે રશીલાબેન અને પતિ નીરૂભાઇ તથા પુત્ર રાહુલભાઈ અને અનિલભાઈને ઈજા પહોંચાડતા હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે રસિલાબહેને મહિલા સહિત ચાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.