– ચાર શખ્સો વિરૂદ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ
– મહિલા સહિત ચાર શખ્સોએ પતિ-પત્ની અને પુત્રીને લાકડાના ધોકા અને પાવડા વડે માર માર્યો
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના ફુલગ્રામ ખાતે બે પડોશી પરિવારોના ઘર વચ્ચે ખંચારી બૂરવા બાબતે બોલાચાલી થઈ હતી. ઝઘડામાં મહિલા સહિત ચાર શખ્સોએ પડોશી પરિવારના સભ્યોને ધોકા અને પાવડાથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
વઢવાણના ફુલગ્રામ ખાતે રહેતા ફરિયાદી ચંદુભાઈ કાનજીભાઈ વનાણી અને તેમના પરિવારજનો સાંજના સમયે ઘરે હતા. તે દરમ્યાન પાડોશમાં રહેતા કેશાભાઈ ચુનીલાલ ધાધરેટીયાના ઘર વચ્ચે આવેલી ખંચારી ફરિયાદીની માલીકીની હોવા છતાં કેશાભાઈએ પાયો ગાળી બુરાણ કર્યું હતું. આથી ફરિયાદીએ પાયો ગાળવાની અને બુરાણ કરવાની ના પાડતા કેશાભાઈએ ઘરે આવી ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને લાકડાનો ધોકો તેમજ દિકરી દક્ષાને માથામાં લાકડાનો ધોકો તેમજ પત્નીને પણ લાકડાનો ધોકો માર્યો હતો. કેશાભાઈના દિકરા દિલાભાઈ અને ભાઈ અરવિંદભાઈ તેમજ પત્નિ ભાવુબેન સહિતનાઓએ એકસંપ થઈ ફરિયાદીએ પાવડો અને લાકડાના ધોકા વડે મારમારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ જોરાવરનગર પોલીસ મથકે ચાર શખ્સો (૧) કેશાભાઈ ચુનીલાલ ઘાઘરેટીયા (૨) અરવિંદભાઈ ચુનીલાલ ઘાઘરેટીયા (૩) ભાવુબેન કેશાભાઈ ધાધરેટીયા અને (૪) દિલાભાઈ કેશાભાઈ ધાધરેટીયા તમામ રહે.ફુલગ્રામવાળા સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.