Surat Corporation Food Safety : સુરત સહિત સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે અને તેના કારણે લોકો ગરમીથી બચવા માટે બરફગોળો, પેપ્સી, આઈસક્રિમ સહિતની ઠંડી વસ્તુનું સેવન કરી રહ્યાં છે. બાળકો મોટી સંખ્યામાં પેપ્સી ખાઈ રહ્યાં છે પરંતુ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હજારથી વધુ પેપ્સી અને 80 કિલો અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે અને તેનો નાશ કરવામાં આવ્યો છે. જેના કારણે હવે ઉનાળામાં હવે બાળકોને પ્રિય પેપ્સી ખવડાવવી પણ જોખમી બની ગઈ છે.
ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણા ઉપરાંત બરફનો ગોળો, બરફ પેપ્સી કે આઇસક્રીમ આરોગે છે. તેમાં પણ પેપ્સી ઉનાળામા બાળકોમાં પ્રિય બની રહી છે. પેપ્સી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરવામાં આવે છે, જેમાં અલગ અલગ કાલા ખટ્ટા, ઓરેન્જ, મિલ્કી, જીરું, લસ્સી ફ્લેવરના પેપ્સી આવે છે. આ પેપ્સી નાના બાળકોથી લઈ તમામ માટે હાનિકારક બની રહી છે.
થોડા સમય પહેલા પાંડેસરા,ઉધના,ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા, ઉલટી સહિત તાવના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારબાદ પાલિકાએ તપાસ કરતા પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા હોવાનું બહાર આવ્યું હતું. પાલિકાના દરોડામાં અખાદ્ય 80 કિલો ફ્રુડ, 1 હજારથી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો હતો.