– સ્પેશિયલ ઓપરેશન ગૃપનો દરોડો
– પોલીસે 33 ગ્રામ 71 મીલીગ્રામ મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ, વજન કાંટો મળી કુલ રૂ. 3.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભાવનગર : ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ મફતનગરના રહેણાંકના મકાનમાં સ્પેશિયવલ ઓપરેશન ગૃપે દરોડો કરી મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઇ રૂ.૩.૩૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ બનાવની જાણવા મળતી જાણવા મળતી વિગત અનુસાર નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા માટે ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી ભાવનગર જિલ્લામા ઘુસાડતા ઇસમો ઉપર વોચ રાખી ડ્રગ્સની હેરફેરની પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ ચાલી રહી હોય જે અંતર્ગત ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ. સુનેસરાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફને બાતમી મળી હતી કે, અલ્તાફ જુમાભાઇ ચૌહાણ (ઉ.વ ૪૦, રહે.પ્રભુદાસ તળાવ, મફતનગર, ભાવનગર) એ પોતાના કબ્જમાં મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ વેચાણ કરે છે. જે બાતમીના આધારે શેરી નં.૩ પ્રભુદાસ તળાવ, મફતનગરમાં રહેતા અલ્તાફના મકાન પર દરોડો કરી તલાશી લેતા મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ વજન ૩૩ ગ્રામ ૭૧ મીલીગ્રામ કિ.રૂ. ૩,૩૭,૧૦૦ મળી આવતા સ્પેશિયલ ઓપરેશન ગૃપે અલ્તાફ જુમાભાઇ ચૌહાણની મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ અને વજન કાંટો મળી કુલ રૂ.૩,૩૭,૩૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના એ.એસ.આઇ જી.એ.કોઠારીયા દ્વારા ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
અગાઉ ડ્રગ્સ સાથે પકડાયેલ ઇસમનો સગો નાનો ભાઈ ડ્રગ્સનો વેપલો કરતો ઝડપાયો
ચાર માસ પૂર્વે સ્પેશિયલ ઓપરેશન ગૃપે ઘોઘાના કુડા ચોકડી પાસેથી ૭૦ ગ્રામ મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે ઇકબાલ જુમાભાઇ ચૌહાણ સહિત ત્રણને ઝડપી લીધા હતા. જે ત્રણેય હાલ જેલમાં છે. જ્યારે આજે પકડાયેલ અલ્તાફ જુમાભાઇ ચૌહાણ નામનો શખ્સ ઇકબાલનો સગો નાનો ભાઈ હોવાનું સ્પેશિયલ ઓપરેશન ગૃપના પીઆઇ સુનેસરાએ જણાવ્યું હતું.