– વર્ષોથી ગેરકાયદે દબાણ હતા છતાં મનપાએ કડક પગલા લીધા ન હતા
– મોટાભાગના દબાણ લોકોએ સ્વૈચ્છિક દૂર કર્યા : દુકાનો, મકાનો, દિવાલ સહિતના દબાણ તોડી પડાયા, 5 ધાર્મિક દબાણ હટાવતા લોકોમાં રોષ
ભાવનગર : શહેરમાં ગેરકાયદે દબાણ થયા છે ત્યારે મહાપાલિકા દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી અને ત્યારબાદ રોડ સહિતનું કામ કરવાનુ હોય ત્યારે વર્ષો બાદ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે, આવુ જ શહેરના સતનામ ચોકથી હરિઓમનગર સુધીના રોડમાં જોવા મળી રહ્યુ છે. આ વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદે દબાણ હતા છતાં મનપાએ કોઈ કડક પગલા લીધા ન હતા પરંતુ હવે રોડ પહોળો કરવાનો છે ત્યારે ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે.
ભાવનગર મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થતા ચિત્રા ગામમાં આવેલ ટી.પી.સ્કીમ નં.૨૪ (ચિત્રા) અંતર્ગત સતનામ ચોકથી હરિઓમનગર સુધીનો રોડ ખુલ્લો કરવા કુલ ૧૪૦ આસામીને એક માસ પૂર્વે તબક્કાવાર બી.પી.એમ.સી.એક્ટ-૧૯૪૯ની કલમ ૪૭૭ તેમજ ૪૭૮ની નોટિસ આપવામાં આવી હતી, જેમાં આસામીઓ દ્વારા અમુક દબાણ સ્વૈચ્છિક દુર કર્યા હતા, જયારે ૩૦-૪૦ ટકા દબાણ હજુ યથાવત હતા તેથી આજે સોમવારે મહાપાલિકાની ટીમે સવારે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં દુકાનો, મકાનો તથા વધારાની દીવાલ ઉપરાંત પાંચ ધામક દબાણો વગેરે ગેરકાયદે બાંધકામ ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા એસ્ટેટ વિભાગ, પોલીસ ખાતું, પી.જી.વી.સી.એલ. તથા ગુજરાત ગેસ લી.ના સંકલનમાં રહી આ ટી.પી.રોડ પરના અંદાજીત નાના-મોટા ૧૪૦ દબાણો દુર કરવા કાર્યવાહી કરવામાં આવી હતી.
મહાપાલિકાની ટીમે ધાર્મિક સહિતના દબાણ દૂર કરતા લોકોમાં રોષ ફેલાયો હતો પરંતુ કોઈ વ્યકિતએ ખુલ્લીને વિરોધ કર્યો ન હતો તેમ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. આજે સવારે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી અને સાંજ સુધીમાં તમામ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતાં.
હવે રોડ બનાવવાની કામગીરી હાથ ધરાશે
ભાવનગર શહેરના સતનામ ચોકથી હરિઓમનગર સુધીના રોડ પર ગેરકાયદે દબાણ ખુબ જ હતા તેથી રોડ નાનો થઈ ગયો હતો, જેના કારણે વાહન ચાલકોને મૂશ્કેલી પડી રહી હતી. આ રોડ પહોળો કરવા માટે મહાપાલિકાએ આસામીઓને નોટિસ આપી આધાર-પુરાવા માંગ્યા હતા પરંતુ આધાર-પુરાવા નહીં હોવાથી મહાપાલિકાની ટીમે દબાણ તોડી પાડયા છે. હવે આગામી થોડા દિવસમાં નવો રોડ બનાવવા કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.