– પેટ્રોલ-ડીઝલ પરની ડયુટીમાં રૂ.બેનો વધારો પણ રિટેલ ભાવ નહીં વધે
– પેટ્રોલ-ડીઝલની ડયુટીમાં વધારાનો બોજ કંપનીઓ ઉપાડશે, સરકારની આવકમાં વાર્ષિક ધોરણે રૂ.32,000 કરોડની વધારો થશે
નવી દિલ્હી : ગૃહિણીઓ પર મોંઘવારીનો બોમ્બ ફાટયો છે. સરકાર રાંધણ ગેસના બાટલાના ભાવમાં સીધો ૫૦ રુપિયાનો ભાવ ઝીંક્યો છે. આના લીધે ૮૦૩ રૂપિયે મળતો બાટલો ૮૫૩ રૂપિયે મળશે. સરકારે ભાવવધારામાંથી ગરીબોને પણ બાકાત રાખ્યા નથી. ઉજ્જવલા યોજનાના લાભાથીઓને ગેસનો બાટલો ૫૦૩ રૂપિયામાં મળતો હતો, તે હવે ૫૫૩ રૂપિયામાં મળશે. આમ ગરીબોને વર્ષે સીધો રૂ. ૬૦૦નો ફટકો પડશે.
આ ભાવવધારો ૮મી એપ્રિલથી અમલમાં આવશે. સરકારે આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પરની આબકારી જકાતમાં પણ પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે, પરંતુ તેના લીધે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો નહીં થાય. પેટ્રોલ પરની સ્પેશ્યલ એક્સાઇઝ ડયુટી વધીને પ્રતિ લિટર ૧૩ રુપિયા થઈ છે તો ડીઝલ પરની આ ડયુટી પ્રતિ લિટર ૮ રુપિયાથી વધીને રૂ. ૧૦ થઈ છે.
આમ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરનો કુલ વેરા વધીને પ્રટિ લિટર રુ. ૧૯.૯થી રૂ. ૨૧.૯ થયો છે. તેમા પ્રતિ લિટર રુ. ૧.૪૦ની બેઝિક એકસાઇઝ ડયુટી, પ્રતિ લિટર રૂ. ૧૩ની સ્પેશ્યલ એડિશનલ એકસાઇઝ ડયુટી, રૂ. ૨.૫૦નો કૃષિ ઉપકર અને પાંચ રુપિયા રોડ અને ઇન્ફ્રાસ્ટ્ર્કચર ઉપકરનો સમાવેશ થાય છે.
આ રીતે ડીઝલ પરની સરકારની કુલ આવક પ્રતિ લિટર રૂ. ૧૫.૮૦થી વધીને રૂ. ૧૭.૮૦ થઈ છે. તેમા રૂ. ૧.૮૦ બેઝિક એકસાઇઝ ડયુટી, રુ. ૧૦ સ્પેશ્યલ એકસાઇઝ ડયુટી, પ્રતિ લિટર રુ. ૪નો કૃષિ ઉપકર અને પ્રતિ લિટર બે રુપિયાના રોડ અને ઇન્ફ્રા સેસનો સમાવેશ થાય છે. દેશમાં પ્રતિ વર્ષ ૧૬,૦૦૦ કરોડ લિટર પેટ્રોલ-ડીઝલનું વેચાણ થાય છે. આમ પ્રતિ લિટર બે રુપિયાનો વધારો તતાં સરકારની આવકમાં રૂ, ૩૨,૦૦૦ કરોડ સુધીનો વધારો થશે.
પેટ્રોલિયમ પ્રધાન હરદીપ પુરીએ જણાવ્યું હતું કે ભારતમાં એલપીજીના ભાવ માપદંડ માટે સાઉદીના સીપીનો ઉપયોગ થાય છે. જુલાઈ ૨૦૨૩માં તેનો ભાવ પ્રતિ ટન ૩૮૫ રુપિયા હતો અને તે ફેબુ્રઆરી ૨૦૨૫માં પ્રતિ ટન ૬૨૯ રુપિયા થયો છે. આ ભાવે ગેસનો બાટલો રુ. ૧,૦૨૮ હોવો જોઈએ. આના કારણે જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓની અંડર રિકવરી વીતેલા નાણાકીય વર્ષના અંતે રુ. ૪૧,૩૩૮ કરોડ હતી. આ વધતી જતી ખોટના લીધે ભાવ વધારવા પડયા છે.હાલના ભાવે ઉજ્જવલા વપરાશકારનો રાંધવામનો પ્રતિ દિન ખર્ચ રૂ. ૬.૧૦ છે અને સામાન્ય વપરાશકર્તાનો ખર્ચ રૂ. ૧૪.૫૮ છે, જે યોગ્ય છે, એમ તેમણે જણાવ્યું હતું. સિલિન્ડરના ભાવમાં રૂ. ૫૦નો વધારો ફક્ત ભાવિ ખર્ચ જ નહીં, ભૂતકાળનો ખર્ચ પણ આવરી લેશે, એમ તેમણે જણાવ્યું હતું.