– બે ભંગાર અને એક મોટું વાહન હોવાથી હાલાકી
– ફાયરમેન ન હોવાથી સાંકડી ગલીમાંથી પસાર થઈ સિલિન્ડરથી સેનેટરી ઈન્સ્પેક્ટરે આગ ઓલવી
ડાકોર : ડાકોર નગરના મુખ્ય બજાર પાસે ખેડાવાળની ખડકીના ઘરમાં આગ લાગી હતી. ત્યારે નાની ગલીઓમાં ફાયરનું વૉટર બાઉઝર પહોંચી શખ્યું ન હતું. ફાયરમેનને અભાવે ફાયર સિલિન્ડરની મદદથી સેનેટરી ઈન્સ્પેક્ટરે આગ ઓલવવાની ફરજ પડી હતી.
ડાકોર નગરપાલિકાના મુખ્ય બજાર પાસે આવેલી ખેડાવાળની ખડકીમાં બપોરે ૧૨ વાગ્યાના અરસામાં એક ઘરમાં શોટસર્કિટને કારણે આગ લાગી હતી. ઘટનાના પગલે પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરાઈ હતી. ડ્રાઈવર ફાયરનું વૉટર બાઉઝર લઈને પહોંચ્યો હતો. પરંતુ, સાંકડી ગલીઓના લીધે તે બહાર જ ઉભું રાખી દેવું પડયું હતું. ફાયરમેનના અભાવે પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટરને ગલીઓમાંથી દોડી જઈ ફાયર સિલિન્ડરની મદદથી આગ ઓલવવાની ફરજ પડી હતી. આગ પર ત્વરિત કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. જો કે, આગના લીધે સદનસીબે કોઈ નુકસાન કે જાનહાનિ થઈ ન હતી. ડાકોર પાલિકામાં ફાયરમેનની ભરતીનો હુકમ ૨૦૨૩માં આવ્યો હતો ત્યારે વહીવટદારના શાસનમાં ભરતી થઈ શકી ન હતી. બીજી તરફ ડાકોર નગરપાલિકા પાસે ત્રણ અગ્નિશામક છે. જેમાંથી બે ભંગાર થઈ ગયા છે જ્યારે એક વાહન મોટું હોવાથી ડાકોરની નાની ગલીઓમાં પ્રવેશી શકતું નથી.
નિયમોને આધીન ફાયરમેનની ભરતી કરાઈ નથી : ચીફ ઓફિસર
ડાકોર પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, નગરપાલિકામાં ફાયરમેનની ભરતી આવી હતી પણ નિયમોને આધીન મંજૂરી મળેલી ના હોવાથી ભરતી કરી શકાઈ નથી. સાંકડી ગલીઓમાં લઈ નહીં જઈ શકાતા અને ભંગાર વાહનો અંગે તેમણે જણાવ્યું હતું કે, ટેન્ડર થઈ ગયું છે, પ્રસિદ્ધ કરવા પ્રમુખને મોકલી આપ્યું છે. આગળની કાર્યવાહી પ્રમુખ કરશે.
ગલીઓમાં આગ કાબૂમાં ન આવે તો મોટી દુર્ઘટનાની સંભાવના
સામાન્ય આગમાં આટલી હાલાકી પડી રહી છે. ત્યારે ખેડાવાળની ખડકીની ગલીઓમાં તમામ ઘરો લાકડાંના છે. જો આગ કાબૂમાં ના લેવાય તો સુરત કે ડીસા જેવી ઘટના થવાનો ભય સ્થાનિકોને લાગી રહ્યો છે.