– મનપાના આરોગ્ય વિભાગનું ચેકિંગ
– એક્સપાયરી ખાદ્ય વસ્તુઓ મળી, કિચનમાં ખૂલ્લી ગટર, જીવજંતુ, ગંદકી જણાઈ
આણંદ : આણંદ સોજીત્રા રોડ ઉપર આવેલી સિટી પોઈન્ટ હોટેલમાં ચેકિંગ દરમિયાન એક્સપાયરી ખાદ્ય વસ્તુઓ મળી આવી હતી. હોટેલના કિચનમાં ખૂલ્લી ગટર પણ જોવા મળી હતી. આરોગ્ય સાથે ગંભીર બેદરકારી બદલ હોટેલને સીલ કરી દેવાઈ છે.
આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે મનપા વિસ્તારની વિવિધ હોટેલો, રેસ્ટોરન્ટમાં જાહેર સ્વચ્છતા બાબતે ઝૂંબેશ સ્વરૂપે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું છે. તમાસ દરમિયાન આણંદ કલેકટર કચેરી અને જુના જિલ્લા સેવાસદનની વચ્ચે આવેલી હોટલ સિટી પોઇન્ટ ખાતે આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. હોટેલ સીટી પોઈન્ટ ખાતે હાઈજીન અને સ્વચ્છતા બાબતે સાફસફાઈ યોગ્ય ન હતી, ઉપરાંત આ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ જણાયો હતો. એક્સપાયરી ખાદ્ય વસ્તુઓ પણ મળી આવી હતી. રસોડામાં જીવજંતુઓ ફરતા જોવા મળ્યા હતા. કિચનમાં જ ગટર ખૂલ્લી જણાઈ હતી. રેસ્ટોરન્ટમાં તપાસ કરતા પાણીના નિકાલ અર્થે સ્ક્રીન ચેમ્બર બનાવવામાં આવી ના હોવાના કારણે ગંદુ પાણી ગળાયા વગર ગટરમાં જતું હતું, જે નાગરિકોના આરોગ્ય માટે જોખમીરૂપ હોવાથી તાત્કાલિક અસરથી આ રેસ્ટોરન્ટને કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કલમ ૩૭૬-એ અંતર્ગત સીલ કરવામાં આવી છે.