વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની મેનેજમેન્ટ ફેકલ્ટી ૨૦૨૫-૨૬ના નવા શૈક્ષણિક વર્ષથી ઈવનિંગ પ્રોગ્રામમાં એમબીએ ઈન સસ્ટેનિબિલિટી( ટકાઉપણું)નો કોર્સ શરુ કરશે.જેને ફેકલ્ટી બોર્ડ દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે.
ફેકલ્ટી ડીન ડો.સુનિતા શર્માનું કહેવું છે કે, અત્યાર સુધી એમબીએના વિદ્યાર્થીઓને ફાઈનાન્સ, હ્યુમન રિસોર્સ, માર્કેટિંગ અને ઓપરેશન્સ જેવા વિષયોમાં સ્પેશ્યલાઈઝેશનનો વિકલ્પ મળતો હતો. પરંતુ હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વધી રહેલી બોલબાલા વચ્ચે એમબીએ ઈન સસ્ટેનિબિલિટીની પણ ડિમાન્ડ વધી રહી છે.
જેને ધ્યાનમાં રાખીને ફેકલ્ટીએ એમબીએ વિથ સસ્ટેનિબિલિટીનો વિકલ્પ પણ ઓફર કરવાનો નિર્ણય લીધો છે.સામાન્ય રીતે ફ્રેશર્સ વિદ્યાર્થીઓ માર્કેટિંગ, ફાઈનાન્સ જેવા વિષય સાથે એમબીએ કરવાનું પસંદ કરતા હોય છે.ઈવનિંગ પોગ્રામમાં ઓપરેશન્સ સાથે એમબીએ કરનારાની સંખ્યા વધારે છે અને સસ્ટેનિબિલિટી સાથે એમબીએ પણ હાલમાં ઈવનિંગ પ્રોગ્રામમાં દાખલ કરવામાં આવશે.
પહેલા વર્ષમાં તમામ માટે બિઝનેસ સસ્ટેનિબિલિટીનો વિષય રહેશે.જ્યારે બીજા વર્ષમાં સ્પેશ્યલાઈઝેશન તરીકે બિઝનેસ સસ્ટેનિબિલિટીના કાયદાકીય પાસા, જવાબદારીપૂર્ણ રીતે તેનો અમલ, સસ્ટેનેબલ બિઝનેસ માટેની વ્યૂહરચનાઓ, સસ્ટેનિબિલિટી રિપોર્ટિંગ, નેતૃત્વ અને સાહસિકતા, સસ્ટેનેબલ પ્રોડક્શન તેમજ ગ્રીન સપ્લાય ચેન થકી સસ્ટેનેબલ બિઝનેસ જેવા વિષયો ભણાવવામાં આવશે.
આઈઆઈએમ, મુંબઈમાં સસ્ટેનિબિલિટી કોર્સની ૩૦ બેઠકો સામે ૨.૧૨ લાખ પ્રવેશ ફોર્મ ભરાયા
કોર્પોરેટ સેકટરમાં સસ્ટેનિબિલિટીનું ચલણ વધી રહ્યું છે અને તેના કારણે આ વિષયને ભણવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધારે છે.મુંબઈ આઈઆઈએમમાં આ વર્ષે સસ્ટેનિબિલિટી કોર્સની ૩૦ બેઠકો માટે ૨.૧૨ લાખ અરજીઓ આવી હતી.આઈઆઈએમના સત્તાધીશો માટે પણ આટલી હદે ધસારો અનપેક્ષિત હતો.તેની અગાઉના વર્ષમાં આઈઆઈએમ, મુંબઈને માત્ર ૧૪૦૦ અરજીઓ મળી હતી.જાણકારોના કહેવા પ્રમાણે નેટ ઝીરો એમિસનના ટાર્ગેટના કારણે કોર્પોરેટ સેકટરમાં સસ્ટેનેબલ ડેવપલમેન્ટની બોલબાલા વધી રહી છે.જેના કારણે હવે એમબીએ કરનારા વિદ્યાર્થીઓ સ્પેશ્યલાઈઝેશન માટે સસ્ટેનિબિલિટીના વિષયને પ્રાધાન્ય આપી રહ્યા છે.