– મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો ખાતે શૈક્ષિક મહાસંઘે રજૂઆતો કરી હતી
– 6 થી 12 કલાકના રોકાણમાં 240 અને 12 કલાકથી વધુના રોકાણમાં 400 કર્યા
ભાવનગર : બોર્ડની પરીક્ષાના પેપરો તપાસવાની કામગીરીમાં કાયમી શિક્ષક હોય કે ફિક્સ પગારી કામના કલાકો અને કામ સમાન હોય છે ત્યારે તેને મળતા મહેનતાણા ડી.એ.માં તફાવત રહેતા રજૂઆતો થવા પામી હતી. જેના પગલે તાજેતરમાં નાણાં વિભાગે પરિપત્ર કરી આવા ફિક્સ પગારના કર્મચારીઓ માટે પણ ૬ થી વધુ અને ૧૨ કલાકથી ઓછુ રોકાણમાં ૨૦૦ અને ૧૨ કલાકથી વધુ રોકાણમાં ૪૦૦નો સુચિત વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો.
વર્તમાન ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાની જવાબવહી મૂલ્યાંકનની કાર્યવાહી ચાલી રહી છે જેમાં નિયમિત શિક્ષકો અને શિક્ષણ સહાયકો તથા જ્ઞાન સહાયકો એક સમાન કામગીરી કરી રહ્યા હોવા છતાં નિયમિત શિક્ષકોને રૂા.૪૦૦ (શહેરની વિવિધ કેટેગરી પ્રમાણે) ડી.એ. ચૂકવવામાં આવે છે. જ્યારે ફિક્સ પગારવાળા શિક્ષણ સહાયકો, જ્ઞાન સહાયકોને રૂા.૨૪૦ પ્રમાણે ડી.એ. ચુકવાતું હોય આમ સમાન કામ સમાન વેતનનો ભંગ થતા વિવિધ જિલ્લાના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆતના પગલે તેમજ નાણાં વિભાગની વિચારણા હેઠળ રહેલ આ મુદ્દે સુધારો કરી ૬ કલાકથી વધુ પરંતુ ૧૨ કલાકથી ઓછુ રોકાણ માટે ૨૦/૧૦/૧૫ના ઠરાવમાં નિયત થયેલ દૈનિક રૂા.૧૨૦ ભથ્થામાં રૂા.૨૦૦નો સુચિત વધારો કરાયો હતો. તો ૧૨ કલાકથી વધુ રોકાણમાં રૂા.૨૦૪ના નિયત થયેલ દૈનિક ભથ્થામાં સુધારો કરી રૂા.૪૦૦ કરાયો હોવાનો પરિપત્ર કરાયો છે જેથી ફિક્સ પગારવાળા શિક્ષણ સહાયકો કે જ્ઞાન સહાયકોને સમાન કામ સમાન વેતનનો લાભ મળવાપાત્ર થશે.