India USA Trade Talks: કેન્દ્ર સરકારે ગઈકાલે બુધવારે દેશના નિકાસકારોને કડક ચેતવણી આપી છે. જેમાં તેમણે બીજા દેશનો માલ ભારતના માર્ગે અમેરિકા ન મોકલવા અપીલ કરી છે. જો આમ થયું તો તેના ખરાબ પરિણામો ભોગવવા તૈયાર રહેવા ચેતવણી આપી છે. અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા ટ્રેડવૉરને ધ્યાનમાં લેતાં વાણિજ્ય મંત્રાલયે આ એલર્ટ જાહેર કર્યું હતું. તેમણે અમેરિકા સાથે ચાલી રહેલા વેપાર મંત્રણાઓને સુરક્ષિત રાખવા તેમજ સંભવિત જવાબી કાર્યવાહીથી બચવા માટે આ એલર્ટ આપ્યું હોવાનું જણાવ્યું છે.
ભારત પર ભડકી શકે છે અમેરિકા
વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલના નેતૃત્વ હેઠળ નિકાસકારો સાથે યોજાયેલી બેઠકમાં સરકારે વિશ્વાસ અપાવ્યો હતો કે, વિદેશી માલનું ડમ્પિંગ રોકવા માટે આયાત પર ખાસ દેખરેખ રાખવી પડશે. તેમજ નિકાસકારોએ બીજા દેશનો માલ ભારત મારફત અમેરિકામાં નિકાસ કરવાની ભૂલ કરવી જોઈએ નહીં. કારણકે, તેનાથી અમેરિકા નારાજ થઈ શકે છે. ભારત અને અમેરિકા વેપાર કરાર પર અસર થઈ શકે છે. આ એલર્ટ એવા સમયે આવ્યું છે કે, જ્યારે અમેરિકાએ ચીનમાંથી આયાત થતી પ્રોડક્ટ્સ પર કુલ 125 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જેથી ચીન નિકાસ માટે વૈકલ્પિક માર્કેટની શોધમાં છે.
વૈશ્વિક વેપાર સંકટ વચ્ચે ભારતની તૈયારી
મીડિયા રિપોર્ટ અનુસાર, બેઠકમાં વાણિજ્ય મંત્રી ગોયલે નિકાસકારોને ડરવાના બદલે તકો પર ધ્યાન આપવા કહ્યું છે. તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર અંગે યોગ્ય સંતુલન બની રહ્યું છે. આ કરાર બંને દેશો વચ્ચે વેપાર સંબંધ 191 અબજ ડોલરથી વધારી 500 અબજ ડોલર કરવાનો લક્ષ્યાંક છે. જેનો પ્રથમ તબક્કો સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી પૂર્ણ થશે.
આ પણ વાંચોઃ ટેરિફ મુદ્દે વાત કરવામાં ભારત સૌથી આગળ: ચીન સાથે ટ્રેડવૉર વચ્ચે અમેરિકાનો દાવો
સોફ્ટ લોન અને ગુણવત્તા નિયંત્રણ આદેશોમાં રાહત
નિકાસકારો દ્વારા માર્જિનમાં ઘટાડો અને વૈશ્વિક અસ્થિરતા મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લેતાં સરકાર સોફ્ટ લોનના વિકલ્પો પર વિચારણા કરી હોવાનું જણાવ્યું છે. યુરોપિયન સંઘ, યુકે અને અમેરિકા જેવા દેશોમાંથી થતી આયાત પર ગુણવત્તા નિયંત્રણ આદેશમાં અમુક રાહત મળવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારે સંકેત આપ્યા છે કે, જે દેશોમાંથી ગુણવત્તાની ફરિયાદો ઓછી છે. ત્યાંથી આયાતના નિયમોમાં રાહત મળશે.
શા માટે એલર્ટ જાહેર કર્યાં
અમેરિકાએ હાલમાં જ એવા દેશો પર જવાબી ટેરિફ લાગુ કરવાનું શરૂ કર્યું છે, જે દેશો અયોગ્ય વેપાર કરી રહ્યા છે. ભારત પર અમેરિકાએ 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યું છે. જો ભારતીય નિકાસકાર અન્ય દેશનો માલ-સામાન અમેરિકા મોકલવા ભારતના રૂટનો ઉપયોગ કરે છે, તો અમેરિકા ભારત વિરૂદ્ધ કડક પગલાં લઈ શકે છે. તેનાથી વેપાર કરાર પર અસર થવા ઉપરાંત આર્થિક નુકસાન પણ થઈ શકે છે. વાણિજ્ય મંત્રાલયે નિકાસકારોને સંકેત આપ્યો છે કે, તેઓ નિકાસકારો સાથે નિયમિત સંવાદ જાળવી રાખશે. જેથી બદલતા વૈશ્વિક વેપારના પરિદ્રશ્યનું આંકલન કરી શકાય. તેમજ નિકાસકારોને વૈશ્વિક હરીફાઈમાં સક્ષમ બનાવવા માટે તૈયાર કરી શકાય તેવી સરકારનાં એક્સપોર્ટ પ્રમોશન મિશન પર વ્યાપક યોજના પર કામ થઈ રહ્યું છે.