Hanuman Jayanti Celebrated at Salangpur Temple : આગામી 12 એપ્રિલે ચૈત્રી પૂર્ણિમા, શનિવારના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેને લઇને હાલમાં પૂરજોશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હનુમાન જયંતી મહોત્સવની ઉજવણીને ગણતરીના દિવસો બાકી હોવાથી તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ દાદાના દરબારમાં શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.
1008 કિલો પુષ્પોથી અભિષેક
હનુમાન જયંતિના પાવન પ્રસંગે તારીખ 11મીએ સવારે 7.30 કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવશે. જેમાં શુક્રવારે કલશ યાત્રા, રાજોપચાર પૂજન, 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટથી ભક્તોને વધામણું, અને 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક કરવામાં આવશે. બપોરે 4 કલાકે કળશ યાત્રા યોજાશે. જેમાં 4 હાથીની સવારી ઉપર ઠાકોરજી બિરાજમાન થશે. હજારો બહેનો ભક્તો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કરશે. 251 પુરૂષ-મહિલા ભક્તો સાફા ધારણ કરીને દાદાને રાજી કરશે. 108 બાળકો દાદાના વિજયી ધ્વજને લહેરાવશે. આ તકે આફ્રિકન સીદી ડાન્સ જબરદસ્ત આકર્ષણ જમાવશે. આ ઉપરાંત ડી. જે. નાસિક ઢોલ, બેન્ડવાજા વગેરે સંગીતની ટીમો ભક્તોને મંત્રમુગ્ધ કરશે. આ તકે 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટો સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવશે.
11મીએ કિંગ ઓફ સાળંગપુર ખાતે સમુહ આરતી, આતશબાજી અને લાઇવ કોન્સર્ટનું આયોજન
11 એપ્રિલ શુક્રવારે રાત્રે 8.30 કલાકે કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી યોજાશે. જેમાં હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થશે અને ઐતિહાસિક આતશબાજીથી દાદાનું સ્વાગત કરાશે. રાત્રે 9 કલાકે ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવી દ્વારા ડાન્સ વીથ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે અને કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લાઈવ કોન્સર્ટ યોજાશે.
મહા અન્નકૂટ સહિતના કાર્યક્રમોનું આયોજન
શનિવારે ચૈત્ર સુદ પૂર્ણિમા, હનુમાન જયંતિ નિમિત્તે મંગળા આરતી, 51,000 બલૂનડ્રોપ, 250 કિલોના કેક સાથે ભક્તિ ઉત્સવ, અને મહા અન્નકૂટ સહિતના કાર્યક્રમોનું આયોજન થશે. પ. પૂ. ધ. ધુ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના સાંનિધ્યમાં, શા. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર મહોત્સવ ઉજવાશે.
3000થી વધુ સ્વયંસેવકો રહેશે ખડેપગે
સાળંગપુરમાં આ હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઈક્રો મેનેજમેન્ટ માટે 3000 હજારથી વધુ સવ્યંસેવકો ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ-અલગ વિભાગોમાં ખડેપગે રહેશે. આ ઉપરાંત અહીં આવતા ભક્તો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા બરવાળાથી આવતાં અને બોટાદ બાજુથી આવતા ભક્તો માટે કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ પાર્કિંગમાં એક સાથે 10 હજારથી વધુ વ્હીકલ આરામથી પાર્ક કરી શકાશે.
કેક કાપીને હનુમાનજીના જન્મોત્સવનું સેલિબ્રેશન કરાશે
હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું છે કે, વ્હાલા ભક્તો મહામૂલો મહામહોત્સવ એટલે હનુમાન જયંતી. આ વર્ષે પણ સાળંગપુર ધામની અંદર દાદાના ધામમાં દિવ્યાતિદિવ્ય અલૌકિક અવર્ણીય, આહલાદક અને આનંદદાયક હનુમાન જયંતી મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 12 એપ્રિલ અને શનિવાર ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે દાદાના દરબારમાં ભવ્યાતિભવ્ય મહામહોત્સવ ઉજવાશે. એના આગલા દિવસે 11 એપ્રિલ શુક્રવારના દિવસે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય કળશ યાત્રાનો ઉત્સવ છે. આખી રાત સંગીત સંધ્યામાં મોટા કલાકારો દાદાના ભજન સંભળાવશે, કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં આપણે નાચી, ઝૂમીને દાદાને પ્રસન્ન કરીશું.
હનુમાનજીના જન્મની પૂર્વ સંધ્યાએ આપણે સૌએ એક સાથે ભેગા થઈને કિંગ ઓફ સાળંગપુર દાદાની મહાઆરતી કરવાની છે. બીજા દિવસે સવારે વહેલા મંગળા આરતી થશે, ત્યાર પછી શણગાર આરતી થશે આ પછી દાદાના પ્રાંગણમાં મોટી કેક કાપીને ફુગ્ગા ઉડાવીને હનુમાનજીના જન્મોત્સવનું સેલિબ્રેશન કરીશું. ત્યાર પછી હનુમાનજીનું રાજોપચાર પૂજન થશે. આ ઉપરાંત દાદાને સુવર્ણના શણગાર અને અન્નકુટ પણ ધરાવાશે. આ સાથે હનુમાનજીના મહાયજ્ઞનું પણ આયોજન કરાયું છે.