![]()
ગુજરાતને વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવાની નેમ સાથે રાજ્ય સરકારે અનેક વિકાસાત્મક પગલાં લીધા હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે પાયાનું જ્ઞાન આપતી શાળાઓમાં જ મૂળભૂત સુવિધાનો અભાવ હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. શહેરના દરજીપુરા ગામ ખાતે આવેલી કન્યા પછાત વર્ગ નિવાસી શાળામાં છેલ્લા પાંચવર્ષથી પાણી અને ડ્રેનેજ જેવી જરૂરી સુવિધાઓ ન હોવાના કારણે શાળા સંચાલકો તેમજ વિદ્યાર્થીનીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દરજીપુરા ગામ ખાતે વિકસિત જાતિ કલ્યાણ ખાતું, ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળા (વિકસિત જાતિ) કન્યા, વડોદરા તેમજ સરકારી કન્યા છાત્રાલય (વિકસિત જાતિ) કન્યા કાર્યરત છે. આ જ પરિસરમાં અનુસૂચિત જાતિ (એસ.સી.), અનુસૂચિત જનજાતિ (એસ.ટી.) અને અન્ય પછાત વર્ગ(ઓ.બી.સી.) એમ ત્રણ શાળાઓ આવેલી છે, જેમાં ૪૯૦થી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે.
આશ્ચર્યની વાત એછે કે, શાળાની શરૂઆતથી જ અહીં પાણી પુરવઠા તથા ડ્રેનેજ લાઈનની કોઈ વ્યવસ્થા નથી. પાણી માટે ટેન્કર પર આધાર રાખવો પડે છે અને ઘણી વખત ટેન્કર સમયસર ન મળતા પાણીની અછત સર્જાય છે. બીજી તરફ, ડ્રેનેજ સુવિધા નહોવાના કારણે અવારનવાર ખાળકૂવા ઉભરાતા રહે છે, જેના કારણે પરિસરમાં ગંદકી અને અસ્વચ્છતા ફેલાઈ જાય છે. આ સ્થિતિ શાળા સંચાલકો માટે પણ માથાનો દુખાવો બની ગઈ છે.
શાળા સંચાલકો દ્વારા આ સમસ્યાને લઈને અગાઉ વુડા (વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)ના કાર્યપાલક ઇજનેર તેમજ વડોદરા મ્યુ. કોર્પોરેશનના પૂર્વ ઝોન કાર્યપાલક ઈજનેર, વોર્ડ
નંબર-૪ની કચેરી ખાતે રજૂઆતો કરવામાં આવી છે. વિદ્યાર્થીનીઓના ભોજન તથા દૈનિક ઉપયોગ માટે પાણી ટેન્કર અને પાણીના જગ મારફ તે પૂરુ પડવામાં આવતું હોવાથી સરકારી તિજોરી પર વધારાનું ભારણ આવે છે, તેથી કાયમી પાણી નળ કનેક્શન આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જોકે, આજદિન સુધી આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ શાળા અને છાત્રાલયનું સંકુલ આર.એન્ડ.બી. (રોડ એન્ડ બિલ્ડીંગ) શાખા હેઠળ આવે છે. ઈમારતમાં કોઈપણ પ્રકારના સુધારા કે વધારો કરવા માટે આર.એન્ડ.બી. શાખાની મંજૂરી જરૂરી છે. આર.એન્ડ.બી. શાખા દ્વારા વર્ષ ૨૦૧૮માં આ ઈમારત શાળા માટે સોંપવામાં આવી હતી. વધુમાં, વર્ષ ૨૦૧૫માં દરજીપુરા ગામના કેટલાક વિસ્તારોને વડોદરા મ્યુ. કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. આજદિન સુધી પાણી અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ન થવું તંત્રની કાર્ય પદ્ધતિ સામે પ્રશ્નચિહ્ન સર્જે છે.
ગાંધીનગર વડી કચેરીએ ફાઇલ પેન્ડિંગ
શાળા સંચાલકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ આ અંગે રજૂઆતો કરવામાં આવી છે. આ રજૂઆતના પગલે આર.એન્ડ.બી. (રોડ એન્ડ બિલ્ડીંગ) શાખા દ્વારા શાળામાં પાણીની લાઈન નાખવા તેમજ ઇમારતના જરૂરી સમારકામ માટે વિગતવાર એસ્ટીમેન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ એસ્ટીમેન્ટ મંજૂરી માટે ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલવામાં આવ્યું છે, પરંતુ આજદિન સુધી આ અંગે કોઈઅંતિમનિર્ણય લેવાયો નથી. ફાઇલ મંજૂરીના અભાવે પાણીની કાયમી વ્યવસ્થા તથા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારાની કામગીરી અટકી પડી હોવાનું જાણવા મળ્યું છે.
પાણીના ટેન્કર – જગ પાછળ દર મહિને રૂ. ૧.૯૦ લાખનો ખર્ચ
શાળા સંચાલકોને પ્રતિદિન સરેરાશ ૧૫ પાણીના ટેન્કરો મંગાવવાની ફરજ પડે છે. ટેન્કરો મારફતે લવાયેલું પાણી પહેલા અંડરગ્રાઉન્ડ સંપમાં ઠાલવવામાં આવે છે અને ત્યારબાદ શાળા તેમજ છાત્રાલયના ઉપરના ટાંકાઓમાં ચઢાવવામાં આવે છે. એક ટેન્કરનો ખર્ચ રૂ. ૪૦૦ મુજબ ગણવામાં આવે તો પ્રતિમાસ અંદાજે ૪૫૦ ટેન્કરો માટે રૂ. ૧.૮૦ લાખ જેટલો ખર્ચ થઈ રહ્યો છે. આ ઉપરાંત એક શાળામાં પીવાના પાણી માટે દરરોજ સરેરાશ ૨૦ પાણીના જગની જરૂરિયાત રહેતી હોય છે. જેના કારણે પ્રતિમહિને અંદાજે રૂ. ૧૮ હજારનો વધારાનો ખર્ચ થાય છે. આ રીતે માત્ર પાણી વ્યવસ્થા માટે જ દર મહિને કુલ રૂ. ૧.૯૮ લાખ જેટલો ખર્ચ થતો હોવાનો ખુલાસો થયો છે.
દર દસ દિવસે ખાળકૂવા ભરાઈ જવાની સમસ્યા
પરિસરમાં અંદાજે દસ જેટલા ખાળકૂવા આવેલા છે, જે દર દસેક દિવસે ભરાઈ જતા હોવાથી અવારનવાર ઉભરાવાની સ્થિતિ સર્જાય છે. પરિણામે ગંદકી ફેલાય છે અને શાળા તથા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓને દુર્ગંધ અને આરોગ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જાણવા મળ્યું છે કે, આ વિસ્તારમાંની જમીન પાણી વહેલી તકે શોષી લેતી નહોવાથી ખાળકૂવામાં ગંદું પાણી ઝડપથી ભરાઈ જાય છે. શાળા સંચાલકો દ્વારા વડોદરા મ્યુ. કોર્પોરેશનની મદદથી નિયમિત રીતે તેને ખાલી કરાવવાની ફરજ પડે છે. અગાઉ મ્યુ. કોર્પોરેશન દ્વારા ખાળકૂવા ખાલી કરવાની કામગીરી વિનામૂલ્યે કરવામાં આવતી હતી, પરંતુ છેલ્લા એક વર્ષથી મ્યુ. કોર્પોરેશન દ્વારા એક ખાળકૂવો ખાલી કરવા માટે રૂ. ૫૦ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.










