2 ખુંટિયાની લડાઇમાં હડફેટે ચડી જતા યુવાનને ગંભીર ઇજા થઇ હતી : અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમે જી.જી. હોસ્પિટલમાં આવી યુવાન પર શસ્ત્રક્રિયા કરી: ચાર્ટર પ્લેન મારફતે અવયવો રવાના
જામનગર, : જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર જોગવડ ગામના પાટીયા પાસે ગત ૧૮મી તારીખે રસ્તા પર બાખડી રહેલા બે ખૂંટિયાઓએ રસ્તે ચાલીને જઈ રહેલા પરપ્રાંતિય યુવાનને હડફેટમાં લઈ લીધા હતા. અને ગંભીર સ્વરૂપે ઈજાગ્રસ્ત હાલતમાં જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સારવાર દરમિયાન તેઓ બ્રેઇનડેડ જાહેર થયા હતા. અને તેના પરિવાર દ્વારા અંગદાન આપવાનું નક્કી કરાતાં પાંચ લોકોને નવજીવન મળ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ બિહાર રાજ્યના સમસ્તિપૂરના વતની ઉમેશકુમાર જીગુસા શાહુ (ઉ.વ.૪૭) કે જેઓ પોતાના પુત્ર મનીષ (ઉ.વ.૨૨) જે હાલ મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી પેટા કોન્ટ્રાક્ટર કંપનીમાં કામ કરે છે. તેને ત્યાં પોતે પણ કામે રહેવા માટે બિહારથી ૧૮મી માર્ચના જામનગર આવ્યા હતા. ત્યારબાદ તેઓ અન્ય બે મિત્રો સાથે જોગવડ ગામના પાટીયા પાસે ઉતર્યા હતા. અને રસ્તો ઓળંગી રહ્યા હતા. જે દરમિયાન રસ્તામાં બે ખુટિયાઓ ઝગડી રહ્યા હતા. અને એકાએક ધસી આવી ઉમેશકુમારને હડફેટમાં લઈ લેતાં તેઓ ફંગોળાયા હતા. અને માથાના ભાગે ગંભીર ઇજા થવા તેઓનું માથું ફાટી ગયું હતું, અને લોહી નિતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેની સારવાર દરમિયાન તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. જોકે તેના અવયવો ચાલતા હતા. દરમિયાન જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબ વંદનાબેન ત્રિવેદી તથા અન્ય તબીબોની ટુકડીએ ઉમેશ કુમારના પરિવાર સમક્ષ અંગદાન માટે પ્રસ્તાવ મુકતાં સમગ્ર પરિવારજનોએ સહમતિ દર્શાવી હતી. અને બ્રેઇનડેડ જાહેર થયેલાઉમેશકુમારના કિડની, લીવર સહિતના અંગોનું દાન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.