અમદાવાદ,શનિવાર
શહેરના લાંભાના ઇન્દિરાનગરમાં એક યુવકે તેની માતાની બિમારીની માનતા પૂરી કરવા માટે બકરાની બદલી ચઢાવીને ભોગ લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે અસલાલી પોલીસે એક યુવક વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. શહેરના મેઘાણીનગરમાં રહેતા પાર્થ પરમાર દર્શના એનીમલ વેલ્ફેર ટ્રસ્ટમાં સેવા આપે છે.
શનિવારે બપોરના સમયે ટ્સ્ટના મોબાઇલ નંબર પરથી મેસેજ આવ્યો હતો કે ઇન્દિરાનગર-૨ લાંભામાં એક વ્યક્તિ બકરાની બલી ચઢાવે છે. જેથી સંસ્થાના સ્ટાફે પોલીસને જાણ કરવાની સાથે સ્થળ પર જઇને તપાસ કરતા શૈલેષ કાનજી પટણીના મકાનમાં બકરાની બલી ચઢાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. તેની સાથે તેનો ભાઇ પત્ની અને માતા પણ હાજર હતા. આ અંગે પોલીસે પુછપરછ કરતા તેણે કબુલ્યુ હતુ કે તેની માતાની બિમારી હોવીથી માનતા રાખી હતી અને આ માટે રાણીપ બકરા મંડીથી બકરાને વિધી માટે લાવ્યો હતો. તેણે બકરાની કતલ કરીને ઘડને અલગ કરીને શરીરને અલગ લટકાવીને વિધી કરી હતી. આમ, ક્રુરતા આચરતા આ અંગે અસલાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે શૈલેષ પટણીની વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.