અમદાવાદ,શનિવાર
હથિયારના બોગસ લાયસન્સના કેસમાં અનેક મોટા માથાના નામ સામે આવી રહ્યા છે. જેમાં અમદાવાદ, મુંબઇ અને પુનામાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા પાર્થ ગઢવીની સંડોવણી સામે આવી છે. જેમાં પાર્થ ગઢવીએ તેના કોલ સેન્ટરના ભાગીદાર અને નિકોલમા બિલ્ડીંગનો વ્યવસાય કરતા બિલ્ડર અને વિશાલ પંડયાની મદદથી મણિપુરનો હથિયારનું ગેરકાયદ લાયસન્સ લીધું હતું. જેના આધારે તે હથિયાર લઇને રોફ પણ જમાવતો હતો. પરંતુ, એટીએસ દ્વારા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવતા પાર્થ ગઢવીએ બનાવટી લાયસન્સ અર્જુન ભુરખી દ્વારા એટીએસમાં જમા કરાવ્યું હતું.
જો કે હજુ સુધી પાર્થ ગઢવીની ધરપકડ નથી થઇ શકી. ત્યારે સુત્રોનું કહેવું છે કે રાજકીય પીઠબળ ધરાવતા બિલ્ડરે ઉચ્ચ કક્ષાએથી સમગ્ર સેટીંગ કરીને પાર્થ ગઢવીને બચાવવાનો કારસો રચ્યો છે. ત્યારે આ બાબત ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાનમાં આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.