– વ્યાજ સહિત મુડી ચુકવી દીધી છતાં યુવકને માર માર્યો
– નવા 80 ફૂટ રોડ પર રહેતા યુવકે વ્યાજખોરો પાસેથી રૂા. 8.20 લાખ 30 ટકા સુધીના વ્યાજે લીધા હતા
સુરેન્દ્રનગર : વઢવાણ નવા ૮૦ ફુટ રોડ પર રહેતા શખ્સે રૂા.૮.૨૦ લાખ ૩૦ ટકા સુધી ઉંચા વ્યાજે લીધા બાદ ભરપાઈ કરી દીધા હોવા છતાં વધારે રૂપિયાની માંગણી કરી મારી નાંખવાની ધમકી આપતા ચાર વ્યાજખોરો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વઢવાણના નવા ૮૦ ફુટ રોડ પર ઉમીયા ટાઉનશીપમાં અને હાલ કામનાથ મહાદેવ મંદિર પાસે રહેતા મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણે ચાર મહિના પહેલા નિખિલભાઈ રાતડીયા પાસેથી રૂા.૪.૭૦ લાખ ૩૦% ના વ્યાજે લીધા હતા અને ૧ લાખ રૂપિયાના રોજના ૧૦૦૦ આપવાનું નક્કી કર્યું હતું. જેના બદલામાં ચાર ચેક આપી નોટરી લખાણ પણ કરાવ્યું હતું. ત્યાર બાદ સમયાંતરે નિખિલભાઈના કાકા મયંકભાઈ રાતડીયાના ખાતામાં ઓનલાઈન ગુગલ પે દ્વારા રૂા.૩,૫૦,૦૦૦ ચુકવ્યા હતા અને રૂા.૫૦,૦૦૦ રોકડા આપ્યા હતા તેમજ નિખિલભાઈને રોકડ રૂા.૧ લાખ રોકડ અને ૩૦,૦૦૦ ઓનલાઈન ગુગલ પે થી આપ્યા હોવા છતાં હજુ પણ ૧૨ લાખ રૂપિયા લેવાનું જણાવી જાનથી મારી નાંખવાની ધમકી આપે છે.
નાજાભાઈ ભરવાડ પાસેથી રૂા.૬૦,૦૦૦ રોજના ૧૬૦૦ રૂપિયા આપવાની શરતે આપ્યા હતા અને તેની સામે ઓનલાઈન અને કટકે કટકે રોકડા મળી કુલ રૂા.૧,૭૫,૦૦૦ ચુકવી દીધા હોવા છતાં વધુ રૂપીયા ૩૦,૦૦૦ની ઉધરાણી કરે છે અને ફરિયાદીને વડનગર કેનાલ પાસે લઈ જઈને માર પણ માર્યો હતો.
સંદિપભાઈ સભાડ પાસેથી પણ ૩ મહિના પહેલા રૂા.૧,૫૦,૦૦૦ ૩૦%ના વ્યાજે અને રોજના ૧૫૦૦ આપવાની શરેત લીધા હતા જેના બદલામાં ૩ ચેક આપ્યા હતા અને ત્યારબાદ રૂા.૪૩,૦૦૦ રોકડ અને ૯૦,૦૦૦ તેમના ભાઈના ખાતામાં ગુગલ પે થી નાંખ્યા હોવા છતાં રૂા.૨,૦૦,૦૦૦ બાકી હોવાનું જણાવી ધમકીઓ આપી રહ્યાં છે.
ભરતભાઈ રાજપૂત પાસેથી પણ રૂા.૧,૪૦,૦૦૦ ૫%ના વ્યાજે લીધા હતા અને તેની સામે રૂા.૨,૦૦,૦૦૦નુું લખાણ કરાવ્યું હતું. તેઓ પણ ફરિયાદીના ઘરે જઈ પરિવારને ધમકીઓ આપે છે. આ ઉપરાંત ફરિયાદીએ દિનેશભાઈ લાલાણી (રહે.પાટણ)ને નિખિલભાઈ રાતડીયા પાસેથી ત્રણ મહિના પહેલા રૂા.૪,૦૦,૦૦૦ ૩૦%ના વ્યાજે અપાવ્યા હતા તેનું નોટરી લખાણ પણ કરાવ્યું હતું તેમ છતાંય દિનેશભાઈ લાલાણી ફરિયાદીને આ રૂપિયા ભરવાનું જણાવી ધમકીઓ આપી રહ્યાં છે.
મહેન્દ્રભાઈએ અલગ-અલગ ચાર વ્યક્તિઓ પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધા બાદ તેની ઓનલાઈન અને રોકડમાં ભરપાઈ કરી દીધી હોવા છતાં ચારેય શખ્સો ફોન પર તેમજ રૂબરૂ ઘરે આવી ધમકીઓ આપતા હોવાની અને તેમના ત્રાસથી ઘરછોડીને જતા રહ્યાં હતા. મહેન્દ્રભાઈની ગેરહાજરીમાં પરીવારને પણ ધમકીઓ આપતા મહેન્દ્રભાઈએ નિખિલભાઈ રાતડીયા ( રહે.દેશળ ભગતની વાવ), નાજાભાઈ ભરવાડ (રહે.મફતીયાપરા), સંદિપભાઈ સભાડ (રહે.વડનગર) અને ભરતભાઈ રાજપૂત (રહે.જીનતાન રોડ) સામે એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.