સો વારના પ્લોટ બાબતે તકરાર કરીને લાકડી ધોકા ફટકારી ઈજાગ્રસ્ત કરી દીધા : તંગદિલીના માહોલમાં ગામમાં જિલ્લાભરની પોલીસ ખડકી દેવાઈ, ત્રણ શખ્સોની ધરપકડ
ગોંડલ : ગોંડલથી સાત કી.મી.દુર આવેલા ગુંદાળા ગામે ગત સાંજે ગામનાં સરપંચ પર ગિરાસદાર સહિત ત્રણ શખ્સોએ ધોકા અને લાકડી વડે માર મારી હુમલો કરતા ગામમાં તંગદિલી સર્જાઇ ગઈ હતી.હુમલાખોરોને પકડી માફી મંગાવવાની માંગ સાથે મોટી સંખ્યામાં મહીલાઓ સહિત લોકોનાં ટોળા રસ્તા પર ઉતરી આવતા ઉશ્કેરાટ ફેલાયો હતો.બનાવના પગલે તાલુકા પોલીસ, એલસીબી,એસઓજી સહીત જીલ્લાભરની પોલીસના ધાડા ઉતારી દેવાયા હતા.પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેતા ગરમાયેલો માહોલ અંદાજે દોઢ બે કલાકે શાંત પડયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ગુંદાળાનાં સરપંચ ગોરધનભાઈ ચોથાભાઇ ડાભી ગત સાંજે ગ્રામ પંચાયત કચેરીએેથી ઘરે જઇ રહ્યા હતા.ત્યારે રસ્તામાં ધસી આવેલી કાળા કલરની ફોરવ્હિલ માંથી લાકડી તથા ધોકા સાથે નીચે ઉતરેલા ગુંદાળાનાં હિતેન્દ્રસિંહ ઉર્ફ હિતુભા તથા બે અજાણ્યા શખ્સોએ સરપંચ ગોરધનભાઈને આંતરી ગાળો ભાંડી એક શખ્સે સરપંચ ને પકડી રાખી હિતુભા તથા અન્ય શખ્સે લાકડી તથા ધોકા વડે આડેધડ માર મારવા ઉપરાંત હિતુભાએ કહેલ કે ‘તું ગમે ત્યાં આડો આવે છે.બે ત્રણ દિવસ પહેલા પણ સો વારીયા પ્લોટ માં આડો આવ્યો છો.હવે પછી કોઇ કામમાં આડો આવ્યો તો જીવતો રહેવા નહી દઉ. તેવું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.દરમિયાન સરપંચના કાકા વલ્લભભાઈએ દોડી આવી ઇજાગ્રસ્ત હાલતમાં સરપંચ ગોરધનભાઈને ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ખસેડયા હતા.
બનાવ અંગે સરપંચ ગોરધનભાઈ ચોથાભાઇ ડાભીએ હિતેન્દ્રસિંહ ઉર્ફ હિતુભા તથા બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ કરી હતી.જેમાં બનાવના કારણમાં જણાવેલ કે ગામમાં સો વારીયા પ્લોટ ની ફાળવણી થઇ ત્યારે પ્લોટ નં.૫૫માં નાજાભાઇ ભરવાડ તથા નાથાભાઈ સાકરીયા તેમ બન્નેનાં નામ ે સનદ હોવા છતાં હિતુભા તે પ્લોટ નાજાભાઇ ને અપાવવા માંગતા હતા.પ્લોટ બાબતે પોલીસ માં અરજી થતા તે તથા નાથાભાઈ પોલીસ સ્ટેશન ગયા હોય હિતુભાને સારુ નહી લાગતા ખાર રાખી હુમલો કર્યો હતો.સરપંચ હુમલાની ઘટના બાદ ગામમાં તંગદિલી સર્જાતા પોલીસે રાત્રે જ આરોપીઆને પકડી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.