Vadodara : વડોદરા શહેરમાં અવાર નવાર રાત્રીના સમયે કેમિકલયુક્ત દુર્ગંધથી લોકો પરેશાન છે. તો બીજી તરફ હવાની ગુણવત્તામાં કોઈ ઘટાડો ન થાય અને હવામાં પ્રદુષણની માત્રા કેટલી છે અને હવા કેટલી શુદ્ધ છે તેને જાણવા માટે વડોદરા શહેરમાં પ્રથમવાર હવાની ગુણવત્તા માટે એર મોનીટરીંગ ક્વોલિટી સ્ટેશન સ્થાપવાની કવાયત હાથ ધરી હતી. એર મોનીટરીંગ સ્ટેશનના આંકડાઓ હવાની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે તેમ હોવા છતા એર મોનીટરીંગ ક્વોલિટી સ્ટેશન સ્થાપવામાં વિલંબ થઇ રહ્યો છે.
કોરોનાકાળમાં લોકડાઉનને કારણે હવાના પ્રદૂષણની માત્રામાં ખૂબ જ ઘટાડો થયો હતો. પરંતુ તે બાદ ફરી હવાનાં પ્રદૂષણમાં ઉત્તરોત્તર વધારો થયો છે. શહેરની આસપાસમાં આવેલા ઉદ્યોગો અને વધી રહેલા વાહનોની સંખ્યાને કારણે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખી વર્ષ 2021માં હવા પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા વડોદરા કોર્પોરેશન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આરટીઓ અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓની એક સંયુક્ત બેઠક પણ મળી હતી. અને હવાના પ્રદૂષણ પર સતત મોનિટરિંગ થાય તે માટે કોર્પોરેશન દ્વારા એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશનના નિર્માણનું આયોજન હાથ ધર્યું હતું. હાલ વડોદરા શહેર જિલ્લામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયંત્રણમાં 8 સ્થળોએ હવાના પ્રદૂષણ નોંધના કેન્દ્ર કાર્યરત છે. જે સપ્તાહમાં બે કે ત્રણ દિવસ કાર્યરત રાખવામાં આવે છે.
અગાઉ કારેલીબાગ પાણીની ટાંકી ખાતે નિર્માણનું આયોજન હતું
કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના કારેલીબાગ પાણીની ટાંકી ખાતે પ્રથમવાર ચોવીસ કલાક કાર્યરત રહે તે પ્રમાણે રૂ.10 કરોડના ખર્ચે એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશનનું આયોજન હાથ ધર્યું હતું. જ્યારે બીજા તબક્કામાં ચારથી પાંચ સ્થળે જેમાં ઔદ્યોગિક વાણિજ્ય રહેઠાણ વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવનાર હતો. કેન્દ્ર સરકારના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત વડોદરા કોર્પોરેશનને પ્રદૂષણ બોર્ડ દ્વારા કેન્દ્ર સરકારની રૂપિયા 42 કરોડની સહાય મળવાની હતી. જો કે, કેન્દ્ર સરકારે ગ્રાન્ટ આપવાનો ઇન્કાર કરી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સ્વખર્ચે એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન સ્થાપવા જણાવતા હાલ આ કામગીરી ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ છે. અત્રે નોંધનીય છે કે, દરેક શહેરમાં એક એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન હોવું ફરજીયાત છે.
વડોદરામાં રાતના સમયે કેમિકલયુક્ત ગેસની દુર્ગંધથી લોકો પરેશાન
શહેરના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં અવારનવાર રાત્રિના સમયે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે હવામાં એક પ્રકારની કેમિકલ જેવી દુર્ગંધ પ્રસરતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. વિસ્તારના રહીશો આ અંગે ઘણી વખત રજૂઆત કરે છે, જો કે પરિસ્થિતિમાં કોઈ સુધાર થઈ રહ્યો નથી. શહેરના ફતેગંજ,સમા છાણી, નવાયાર્ડ, ગોરવા, હરણી સહિતના વિસ્તારોમાં છાશવારે રાત્રી સમયે કેમિકલયુક્ત ગેસની દુર્ગંધથી લોકો પરેશાન થઇ ગયા છે. શહેરની આસપાસ અનેક કંપનીઓ આવેલી છે, ત્યારે આ કંપનીઓમાંથી રાત્રીના સમયે કેમિકલયુકત ગેસ છોડાતો હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
વડોદરા શહેર જ્વાળામુખી ઉપર બેઠું હોય તેવી સ્થિતિ છે
શહેરમાં વધતા જતા હવાના પ્રદૂષણને રોકવા માટે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડૉ.વિનોદ રાવે મિશન મિલયન ટ્રીઝનુ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં વડોદરા શહેરના મુખ્ય રસ્તાઓ તેમજ કોર્પોરેશનની ખુલ્લી જમીનોમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું .શહેરની આસપાસ આવેલા પેટ્રોકેમિકલ ઉદ્યોગો તેમજ નંદેશરી જીઆઇડીસી સ્થિત કેમિકલ ઉદ્યોગોને કારણે વડોદરા શહેરને સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ કેટેગરી A માં મૂકવામાં આવ્યું છે. શહેરની આસપાસમાં આવેલા પેટ્રોકેમિકલના પ્લાન્ટ અને હેવી વોટર પ્લાન્ટને કારણે શહેર જ્વાળામુખી ઉપર બેઠું હોય તેવી સ્થિતિ છે.