Murshidabad Violence: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે શુક્રવારે મુર્શિદાબાદ હિંસાથી પ્રભાવિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. તેઓ તેમને મળવા માટે માલદા જિલ્લાની એક રાહત શિબિરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પીડિતોની ફરિયાદ સાંભળી અને તમામ શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું. રાજ્યપાલના અનુસાર, મહિલાઓએ જણાવ્યું કે, ‘તેમને ધમકાવવામાં આવી અને ટોળું તેમના ઘરમાં ઘુસી આવ્યું. એટલું જ નહીં, તેમની સાથે મારપીડ કરવામાં આવી અને અપશબ્દો પણ કહ્યા.’
રાજ્યપાલ આનંદ બોસે કહ્યું કે, ‘મેં આ કેમ્પમાં રહેતા પરિવારો સાથે મુલાકાત કરી. તેમની સમસ્યાઓને વિસ્તારથી સાંભળી અને ભાવનાઓને સમજવાનો પ્રયાસ કર્યો. તેમણે મને જણાવ્યું કે, તેઓ શું ઇચ્છે છે. નિશ્ચિત રીતે તેને લઈને એક્શન લેવાશે.’
મુર્શિદાબાદ જિલ્લાના શમશેરગંજ, સુતી, ધુલિયાન અને જંગીપુર વિસ્તારમાં વક્ફ સંશોધન અધિનિયમ વિરૂદ્ધ 11 અને 12 એપ્રિલે થયેલા પ્રદર્શનો દરમિયાન સાંપ્રદાયિક હિંસા ભડકી ગઈ. તેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જિલ્લાના કેટલાક નિવાસી હજુ હિંસા થવાના ડરે પાડોશી જિલ્લા માલદામાં પલાયન કરી ગયા હતા. હિંસા કરવા અને તોડફોડમાં સામેલ એવા 274 તત્ત્વોની ધરપકડ કરાઈ છે. હિંસા અસરગ્રસ્ત વિસ્તારોમાં અર્ધસૈનિક અને પોલીસ દળ તૈનાત કરાયું છે.
મમતા બેનર્જી અને રાજ્યપાલ વચ્ચે ઘર્ષણ
રાજ્યપાલના આ પ્રવાસ પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમને મુર્શિદાબાદ પ્રવાસ સ્થગિત કરવાની અપીલ કરી હતી. મમતાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર વિશ્વાસ અપાવવાના ઉપાય કરી રહી છે, એટલા માટે રાજ્યપાલે હજુ થોડા દિવસની રાહ જોવી જોઈએ. જો કે, રાજ્યપાલે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પીડિતોને મળવાના પોતાના નિર્ણય પર અડગ છે અને તેને મુલાકાત ટાળવી યોગ્ય નથી.