નવી દિલ્હી : કેન્દ્રના નાણા મંત્રાલયે રૂ.૨ લાખથી ઓછી રકમની સોનાની લોન લેનારાને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના પ્રસ્તાવિત નિર્દેશોમાંથી મુક્તિ આપવાનું સૂચન કર્યું છે. સોના પર કોલેટરલ-ગીરો લોન લેનારા માટે આરબીઆઈએ કડક ધોરણો પ્રસ્તાવિત કર્યા છે.
નાણા મંત્રાલયનું કહેવું છે કે, નાણા પ્રધાન નિર્મલા સીતારામનના માર્ગદર્શન હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસિઝ (ડીએફએસ) દ્વારા આરબીઆઈના નિર્દેશોની તપાસ કરવામાં આવી છે. ડીએફએસ દ્વારા નાની ગોલ્ડ લોન લેનારાઓની જરૂરીયાતને સૂચિત ધોરણોથી નેગેટીવ અસર ન થાય એની ખાતરી કરવા આરબીઆઈને સૂચવ્યું છે. ડીએફએમના સૂચનો સ્વિકારાશે તો ૬૦થી ૭૦ ટકા ગોલ્ડ લોન લેનારાઓને એનો ફાયદો થશે.
ઉદ્યોગના અંદાજો મુજબ ગોલ્ડ લોનોની સરેરાશ રકમ રૂ.૧.૧ લાખથી રૂ.૨ લાખની છે. આ ટૂંકી મુદ્દતની લોનોમાં મહત્તમ પરત ચૂકવણીનો સમયગાળો ૨૪ મહિનાનો રહે છે. સરેરાશ ગ્રાહકો આવી લોનોની સાતથી આઠ મહિનામાં પરત ચૂકવણી કરી દેતાં હોય છે. આ બિઝનેસમાં મુથુટ ફાઈનાન્સ, મન્નપુરમ ફાઈનાન્સ અને આઈઆઈએફએલ ફાઈનાન્સ સહિત નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસીઝ) પ્રમુખ સાહસિકો છે. ડીએફએસ દ્વારા આ પ્રકારના ધોરણો માટે વધુ સમયની આવશ્યકતા હોવાનું અને એથી આગામી વર્ષે ૧, જાન્યુઆરીથી અમલીકરણ થાય એ યોગ્ય હોવાનું કહેવું છે.
એપ્રિલમાં આરબીઆઈ ડ્રાફ્ટ ધોરણો લઈને આવી હતી, જેમાં અન્યો સાથે લોનો લેનાર માટે ગીરો તરીકે ઉપયોગ માટે સોનાની માલિકીનો પુરાવો રજૂ કરવો આવશ્યક બનાવવાનું સામેલ કરાયું હતું. જો કે પેઢીઓથી વારસામાં આવતાં રહેલા સોનાનું ઓરિજનલ-મૂળ બિલ કે પુરાવા રજૂ કરવાનો અનેક માટે પડકારજનક છે. આ ડ્રાફ્ટમાં આ સાથે ગોલ્ડ લોન માટે એવા સોનાના દાગીના, જવેલરી અને ચોક્કસ ગોલ્ડ કોઈન્સને જ ગીરો-કોલેટરલ તરીકે માન્ય કરવાનો સમાવેશ કરાયો છે.