મુંબઈ : કોર્પોરેટ ઈન્ડિયાના તાજેતરમાં માર્ચ ૨૦૨૫ના અંતના ચોથા ત્રિમાસિકના નાણાકીય પરિણામો એકંદર સારી વૃદ્વિના જાહેર થવા છતાં સમીક્ષકો-એનાલિસ્ટો ચાલુ પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ અને વર્ષ ૨૦૨૬-૨૭ માટે સાવચેતી સાથે વૃદ્વિના અંદાજો ઘટાડીને મૂકવા લાગ્યા છે. બજારનો અંદાજ નિફટીની શેર દીઠ કમાણી-અર્નિંગ પર શેર (ઈપીએસ) વાર્ષિક ધોરણે ૯ ટકાથી પણ ઓછો છે. જે છ મહિના અગાઉના અંદાજથી ૧૫ ટકા ઓછો રૂ.૧૧૩૫ મૂકવામાં આવી રહ્યો છે.
નોમુરાએ પણ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે આ કમાણીમાં વૃદ્વિનો અંદાજ વધુ ૪થી ૮ ટકા ઘટાડીને મૂક્યો છે. નોમુરા રિસર્ચનું કહેવું છે કે, કોર્પોરેટ કમાણીથી જીડીપી રેશીયો તેની ટોચ પર છે અને નજીકના સમયમાં તેમાં નોમીનલ જીડીપી વૃદ્વિએ નોંધનીય સારી કામગીરીને અવકાશ નથી.
આ સંભવિત કમાણીના અંદાજો માટેના પરિબળો નબળું ઈન્વેસ્ટમેન્ટ સાઈકલ, સરકાર દ્વારા નાણાકીય કોન્સોલિડેશન, ઘરગથ્થું નાણાકીય બચતોમાં ઘટાડો અને નબળી નિકાસ માંગ છે. જેની કંઈક અંશે ઓછી અસર નીચા ઓઈલ ભાવો, ફુગાવો અને વ્યાજ દરોથી થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ચોથા ત્રિમાસિક જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૫ના કંપનીઓના એક્ત્રિત ધોરણે સારા પરિણામો છતાં આ વર્ષ અને આગામી નાણા વર્ષના અંદાજો ઘટાડીને મૂકવામાં આવી રહ્યા છે. નોમુરા કવરેજ હેઠળની ૨૨૩ કંપનીઓએ નફામાં એક્ત્રિત વૃદ્વિ વાર્ષિક ધોરણે સરેરાશ ૧૦ ટકા નોંધાવી છે. જે ચાર ટકાના અંદાજોથી ઘણી વધુ હાંસલ થઈ છે. આ જ પ્રમાણે મોતીલાલ ઓસ્વાલ કવરેજ હેઠળની ૨૯૭ કંપનીઓમાંથી ૧૨૨ કંપનીઓએ નફાના અંદાજોને પાર કર્યા છે, જ્યારે ૮૭ કંપનીઓ અંદાજો હાંસલ કરી શકી નથી અને ૮૮ કંપનીઓના પરિણામ અપેક્ષિત રહ્યા છે.
બ્રોકિંગ હાઉસે નાણા વર્ષ ૨૦૨૬ માટે ઈપીએસ વૃદ્વિનો અંદાજ બે ટકા સુધી ઘટાડયો છે. જે મોટાભાગે એસબીઆઈ, ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસના કારણે ઘટાડયો છે.
નાણા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઈપીએસ અંદાજ એસબીઆઈ, ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બેંક, ટીસીએસ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ડાઉનગ્રેડના કારણે એક ટકા ઘટાડવામાં આવ્યો છે. જેએમ ફાઈનાન્શિયલે એક નોંધમાં જણાવ્યું છે કે, નિફટી કંપનીઓના ૭૨ ટકા મે ૨૦૨૫માં ઈપીએસમાં ઘટાડાનો સામનો કરી રહી છે. જે એપ્રિલના ૭૦ ટકા કંપનીઓ હતી.
નોમુરાએ ભારતના સ્થિર મેક્રોઈકોનોમિક વાતાવરણ જેમાં નીચા બોન્ડ યીલ્ડ્સ અને સતત સ્થાનિક રોકાણ પ્રવાહને ગણતરીમાં લઈ નાણાકીય વર્ષ ૨૦૨૭ની કમાણી માટે અગાઉના ૧૯.૫ ગુણાંકથી હવે ઊંચા ૨૧ ગુણાંતના વેલ્યુએશન સાથે નિફટીનો ટાર્ગેટ અગાઉના ૨૪,૯૭૦થી વધારીને ૨૬,૧૪૦ મૂક્યો છે.