ઢાકામાં પાક. સમર્થિત કટ્ટરવાદી પક્ષો, સંગઠનોએ હાથ મિલાવ્યા
જેહાદ ચાહિયે, જેહાદ ચાહિયે, અલ્લાહુ અકબર, હમ કૌન હૈ? આતંકવાદી : નેતાઓએ જનતામાં ઝેર ઘોળ્યું
ઢાકા: બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ દ્વારા ઇસ્લામિક શાસન લાગુ કરવાના પ્રયાસો વધી રહ્યા છે. એવામાં ઇસ્લામિક શાસનની તરફેણ કરતી દેશની સૌથી મોટી ઇસ્લામિક પાર્ટી જમાત-એ-ઇસ્લામીએ ઢાકામાં પોતાની પ્રથમ વિશાળ રેલી યોજી હતી. પાકિસ્તાન સમર્થક આ પાર્ટીએ બાંગ્લાદેશમાં પોતાની તાકાત દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. તેની સાથે હિઝ્બ ઉત-તહરીર, વિલાયાહ બાંગ્લાદેશ, અંસાર અલ-ઇસ્લામ જેવા કટ્ટર ધાર્મિક સંગઠનો પણ એકઠા થયા હતા અને ખુલ્લેઆમ જેહાદ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન લાગુ કરવાના ઇરાદાથી કટ્ટરવાદી સંગઠનો, પક્ષો સક્રિય થઇ ગયા છે અને લોકોને ઉશ્કેરવા લાગ્યા છે. રાજધાની ઢાકામાં જમાત-એ-ઇસ્લામી સહિતના ઇસ્લામિક પક્ષો, સંગઠનો એકઠા થયા હતા. આ રેલીમાં બહુ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મંચ પરથી જમાત-એ-ઇસ્લામીના અધ્યક્ષ અમીર શફીકુર્રહમાને લોકોને હિંસાનો રસ્તો અપનાવવા ઉશ્કેર્યા હતા. બાંગ્લાદેશ મુક્તિ આંદોલનનો આ કટ્ટરવાદી પાર્ટીએ વિરોધ કર્યો હતો અને પાકિસ્તાની સૈન્યની સાથે મળીને બાંગ્લાદેશીઓની હત્યામાં જોડાઇ હતી. શેખ હસીનાએ આ પાર્ટી પર પ્રતિબંધ મુક્યો હતો જેને હાલની વચગાળાની મોહમ્મદ યુનુસ સરકારે હટાવી લીધો હતો. હવે જમાત-એ-ઇસ્લામી અને તેના સમર્થકો ખુલ્લેઆમ આતંકવાદનો રસ્તો અપનાવવા લોકોને ઉશ્કેરી રહ્યા છે. ઢાકાથી અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં નેતાઓ લોકોને હિંસા કરવા કહી રહ્યા છે, નમાઝ બાદ મસ્જિદ પાસે આ કટ્ટરવાદીઓએ જેહાદ ચાહિયે જેહાદ ચાહિયેના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત નારા-એ-તકબીર, અલ્લાહુ અકબર, કોણ છીએ આપણે? મિલિટેંટ, મિલિટેંટ, ઇસ્લામી બાંગ્લાદેશમાં કાફીરો માટે કોઇ જ જગ્યા નથી જેવા સુત્રોચ્ચાર થયા હતા. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર સામે આંદોલનમાં આ કટ્ટરવાદી સંગઠનોનો હાથ હતો, શેખ હસીના હાલ ભારતમાં શરણ લઇને રહી રહ્યા છે. એવામાં બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓને મોકળુ મેદાન મળી ગયું છે.
બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સારી નથી : એક જ વર્ષમાં લોકો યુનુસથી કંટાળ્યા, શેખ હસીના યાદ આવ્યાં
નવી દિલ્હી,ઢાકા: બાંગ્લાદેશમાંથી શેખ હસીના સરકાર ગઇ અને મોહમ્મદ યુનુસની સરકાર આવી, ગત વર્ષના ઓગસ્ટમાં શેખ હસીનાને ભારતમાં રાજ્યાશ્રય લેવો પડયો. તે પછી યુનુસની આગેવાની નીચે સરકાર રચાઈ પરંતુ તેને હજી એક વર્ષ પણ થયું નથી ત્યાં લોકો યુનુસ સરકારથી કંટાળી ગયા છે. દેશમાં હિંસા અને કટ્ટરતા વધતાં ગયાં છે. પરિણામે ધંધા ઉપર માઠી અસર થઈ છે. આથી લોકો શેખ હસીનાને યાદ કરી રહ્યા છે. બાંગ્લાદેશના એક વતનીએ એએનઆઈ ઇંટીગ્રેટેડ ચેક પોસ્ટ પર કહ્યું ઃ ‘બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સારી નથી. રોજે રોજ દેશના કોઇને કોઈ ભાગમાં હિંસાના રીપોર્ટ મળે છે. અમે શાંતિ માટે મજબૂત રીતે ઉભા રહ્યા છીએ પરંતુ શાંતિ પાછી મળતી નથી. લોકોનો બહુ મોટો ભાગ શેખ હસીના પાછાં આવે તેમ ઇચ્છે છે.’ભારતમાં સારવાર લેવા આવેલી બાંગ્લાદેશની મહિલા સપના રાણી સહાએ કહ્યું કે ઃ બાંગ્લાદેશમાં કેટલાયે સ્થળોએ હિંસાના સમાચાર છે.સદ્ભાગ્યે અમારા પ્રદેશમાં હજી સુધી શાંતિ પ્રવર્તે છે.