– હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી હાજર થયા, પોલીસ તપાસ અર્થે બોલાવે ત્યાર હાજર રહેવા કોર્ટનો આદેશ
– જાન્યુઆરી 2021 માં આદિજાતિ વિકાસ ટ્રસ્ટ-ગોધરાના પ્રમુખે તકેદારી આયોગમાં ફરિયાદ કરી હતીઃ 38 મહિનાની તપાસ અંતર્ગત વારંવાર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જતા ડિસમીસ કરવામાં આવ્યા હતા
સુરત
ગુજરાત પોલીસ દળમાં 32 વર્ષ અગાઉ પીએસઆઇ તરીકે ભરતી થતી વેળા અનુસુચિત જનજાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના પ્રકરણમાં ડિસમીસ કરવામાં આવેલા એસીપી બી.એમ. ચૌધરીએ આગોતરા જામીન સાથે ઉમરા પોલીસમાં હાજર થતા તેઓની ધરપકડ બાદ જામીન મુક્ત કરવામાં આવ્યા હતા.
ગત 7 જાન્યુઆરી 2021 ના રોજ ગોધરા સ્થિત આદિજાતી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણ પારગીએ ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ કરી હતી કે બી.એમ. ચૌધરી (બાપુભાઇ મોતીભાઇ ચૌધરી) એ બોગસ પુરાવા ઉભા કરી અનુસુચિત જનજાતિનું પ્રમાણપત્ર મેળવ્યું હોવાથી તપાસ કરી પ્રમાણપત્ર રદ્દ કરવા માંગણી કરી હતી. સુરત શહેર પોલીસના કે ડિવીઝનમાં ફરજ બજાવતા એસીપી વિરૂધ્ધ બોગસ પ્રમાણપત્ર અંગેના આક્ષેપને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો અને આ અંગેની તપાસ વિજીલન્સ સેલ સુરત અને ત્યાર બાદ નાયબ પોલીસ અધિક્ષક વિજીલન્સ સેલ ગાંધીનગરને સોંપવામાં આવી હતી. આશ્ચર્યની બાબત એ છે કે આ સમગ્ર પ્રકરણની તપાસ અંતર્ગત 38 મહિનામાં 15 વખત ચૌધરીને પત્ર લખી શાળા છોડયાનું પ્રમાણપત્ર, વય પત્રક, પિતાનું શાળા છોડયાનું પ્રમાણપત્ર અને જો તેઓ અભણ હોય તો તેમના ભાઇ-બહેનના શાળા છોડયાનું પ્રમાણપત્ર ઉપરાંત જાતિ દર્શાવતા પુરાવા અને પરદાદાથી શરૂ કરી તેઓના સુધીનું પેઢીનામું, જમીનના રેકોર્ડ, જમીન વિહોણા હોય તો તે અંગેનું મામલતદારનું પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજી પુરાવા સાથે હાજર રહેવા જણાવાયું હતું. પરંતુ આ તમામ પત્રને ચૌધરી ધોળીને પી ગયા હતા અને પરિણામે પ્રમાણપત્ર સાચું હોવાનું પુરવાર કરવામાં નિષ્ફળ જતા છેવટે ડિસમીસ કરવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં સમાજ કલ્યાણ વિભાગે ઉમરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અંતર્ગત ડિસમીસ કરવામાં આવેલા એસીપી ચૌધરી (ઉ.વ. 58 રહે. 103, સ્તુતિ એમ્પ્રેસ, ગૌરવ પથ, પાલ અને મૂળ. કુંકરમુંડા, તાપી) હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી ગત રોજ ઉમરા પોલીસ સમક્ષ હાજર થતા ધરપકડ બાદ જામીન મુક્ત કરવામાં આવ્યા હતા.