જાહેરનામા દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છતાં
સાબરમતી નદીમાંથી રેતીની હેરાફેરી કરનારાઓ દ્વારા રાત વેળાએ ઓવરલોડ ગાડીઓ હંકારાતી હોવાથી પગલા લેવાયાં
ગાંધીનગર : રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલી ગંભીરા બ્રિજ તૂટી પડવાથી
થયેલી માનવ હાનીની કરૃણાંતિકા બાદ ગાંધીનગર જિલ્લામાં પણ જર્જરિત બનેલા જુના બ્રિજ, પુલને ભારે વાહનો
માટે બંધ કરાવી દેવાયા છે. પરંતુ જાહેરનામનો પણ ભંગ કરીને સાબરમતી નદીમાંથી રેતીની
હેરાફેરી કરનારાઓ દ્વારા રાત વેળાએ ઓવરલોડ ગાડીઓ હંકારાતી હોવાથી માણસા તાલુકાના
અંબોડ બ્રિજ પર લોખંડના ગડર લગાડી દેવામાં આવ્યા છે.
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી સહિતની નદીઓ પર
વર્ષો પહેલા માર્ગ પરિવાહન માટે જુદી જુદી જગ્યાએ બ્રિજ બાંધવામાં આવ્યા છે. તેવી
રીતે નદી સિવાયના વિસ્તારોમાં પણ વરસાદી દિવસોમાં પાણીનો નિકાલ થાય તેવી રીતે જુદી
જુદી જગ્યાએ બેઠા પુલ પ્રકારના બ્રિજ પણ આપવામાં આવ્યા છે. ગંભીરા બ્રિજ દર્ઘટના
બાદ સરકાર દ્વારા રાજ્યભરમાં નબળા બ્રિજ,
પુલની તપાસ કરાવવામાં આવી તેમાં ગંધીનગર જિલ્લામાં પણ તપાસનો દોર ચલાવાયો હતો.
કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલી ૫ ટુકડીઓ દ્વારા તપાસ કરીને અપાયેલા રિપોર્ટની
સાથે ઇજનેરી તંત્ર તરફથી કરાયેલી દરખાસ્તોના આધારે ૯ જેટલા બ્રિજ પરથી ભારે અને
ઓવરલોડ વાહનો નહીં ચલાવવા જાહેરનામુ બહાર પાડીને પ્રતિબંધ મુકવામાં આવ્યો તેમાં અંબોડ
ગામનો બ્રિજ પણ સામેલ હતો. હવે જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા બ્રિજ પરથી
મોટા વાહન પસાર જ થઇ શકે નહીં તેના માટે લોખંડના ગડર લગાવી ચેતવણીના પાટિયા મુકી
દેવાયાં છે.