– તાલુકાના ગામોમાં મનરેગા અંતર્ગત ગેરરીતિનો આરોપ
– નારી એકતા ક્લસ્ટર સખી સંઘને 2060 છોડના નાણા ચૂકવ્યા : તપાસ થાય તો કૌભાંડ બહાર આવવાની શક્યતા
નડિયાદ : કપડવંજ તાલુકાના કેટલાક ગામોમાં બે વર્ષથી મનરેગા અંતર્ગત થયેલા વનીકરણના કામમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાની આશંકાઓ વધુ ઘેરી બની છે. સિંઘાલી ખાતે ૨,૦૬૦ છોડ માટે રૂા. ૨.૯૮ લાખ ચૂકવી દેવાયા છે. ત્યારે સ્થળ પર વનીકરણ થયું જ ન હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે તાલુકામાં મોટાપાયે ગેરરીતિ થયાનો આક્ષેપ કરાયો છે.
કપડવંજના સિંઘાલી સહિતના ગામોમાં આ કથિત કૌભાંડની ગંભીરતા એટલી હદે છે કે, મનરેગા હેઠળના વનીકરણના કામો માત્ર કાગળ પર જ દર્શાવી, વાસ્તવિક રીતે કોઈ કામ કર્યા વિના જ લાખોના બિલો પાસ કરાવી લેવામાં આવ્યા છે. કપડવંજના સિંઘાલી ખાતેના ૨૪/૨૫ બ્લોક પ્લાન્ટેશન વર્કના નામે લાખો રૂપિયાના બિલો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં છોડની ખરીદી દર્શાવવામાં આવી છે. કપડવંજ તાલુકાના સિંગાલીમાં મનરેગા હેઠળના ‘સિંઘાલી ૨૪/૨૫ બ્લોક પ્લાન્ટેશન વર્ક એટ સિંઘાલી સર્વે નં. ૨૩’ માટે નારી એકતા ક્લસ્ટર સખી સંઘ દ્વારા ૦૪/૧૦/૨૦૨૪ના રોજ વિવિધ બિલો રજૂ થયા છે. જેમાં બિલ નંબર ૪૦૧, ૪૦૨, ૪૦૩, ૪૦૪, ૪૦૬, ૪૦૭ અને ૪૦૮ નો સમાવેશ થાય છે. આ બિલો મુજબ, સિંઘાલી ખાતે કુલ ૨૦૬૦ છોડ (જેમાં ૬ બિલોમાં ૩૪૦ છોડ અને ૧ બિલમાં ૨૦ છોડ દર્શાવાયા છે) માટે કુલ રૂપિયા ૨,૯૮,૭૦૦ ચૂકવવામાં આવ્યા છે. જોકે, સ્થળ પરના ફોટોગ્રાફ્સ સ્પષ્ટપણે બતાવે છે કે દર્શાવેલ સ્થળોએ કોઈ વનીકરણ થયું નથી. આ બાબત સૂચવે છે કે, કાગળ પર વૃક્ષારોપણ દર્શાવીને સરકારી તિજોરીમાંથી નાણાં સેરવી લેવામાં આવ્યા છે. જો આ મામલે ઊંડાણપૂર્વક તપાસ થાય તો કદાચ આનાથી પણ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતાઓ છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે, શું રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ કપડવંજમાં મનરેગા હેઠળ થયેલા આ શંકાસ્પદ કામોની ગંભીર નોંધ લઈ, પારદર્શક અને તટસ્થ તપાસનો આદેશ આપશે? કે પછી કરોડો રૂપિયાના સરકારી નાણાંનો આ ગેરઉપયોગ આમ જ ચાલુ રહેશે? ન્યાય અને જવાબદારીની માંગણી સાથે, આ કૌભાંડની સઘન તપાસ થવી અત્યંત આવશ્યક છે.
કૌભાંડના સંદિગ્ધ અધિકારીને નર્મદા જિલ્લાની તપાસમાં !
કપડવંજમાં મનરેગાની જવાબદારી સંભાળતા એપીઓ મિતેશ જોષીને હાલ નર્મદા જિલ્લામાં બહુચચત મનરેગાના જ એક કૌભાંડની તપાસ ટીમમાં શામેલ કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચારના કથિત સંદિગ્ધ પોતે જ અન્ય ભ્રષ્ટાચારની તપાસ કઈ રીતે કરી શકે? તે ગંભીર પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.
એક જ એજન્સીને તમામ કામો : શંકાના વાદળો ઘેરાયા
કપડવંજ તાલુકામાં ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ એમ છેલ્લા બે વર્ષ દરમિયાન મનરેગા હેઠળના તમામ વનીકરણના કામો ફક્ત એક જ એજન્સી, નારી એકતા ક્લસ્ટર સખી સંઘ દ્વારા કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. એક જ એજન્સીને આટલા મોટા પાયે કામો મળવા અને તેમાં પણ પ્લાન્ટ દીઠ બજાર કિંમત કરતાં વધુ રકમ ચૂકવાઈ હોવાની શંકાઓ નાણાકીય કૌભાંડની આશંકાને વધુ મજબૂત બનાવે છે.
માહિતી બોર્ડનો અભાવ : પારદશતા પર સવાલ
મનરેગા હેઠળના કોઈપણ કામના સ્થળે માહિતી બોર્ડ લગાવવું ફરજિયાત છે, જેથી નાગરિકોને કામની વિગતો, ખર્ચ અને સમયગાળા વિશે જાણકારી મળી શકે. જોકે, કપડવંજના આ વનીકરણ કામોના સ્થળોએ માહિતી બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બાબત કામગીરીમાં પારદશતાના અભાવ અને ગેરરીતિ છુપાવવાના ઇરાદા તરફ ઇશારો કરે છે.
જવાબદાર કર્મચારીએ આ અંગે જવાબ આપવાનું જ ટાળ્યું
આ અંગે એપીઓ મિતેશ જોષીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, બધું બરાબર જ કરેલું છે, હું કંઈ પણ કહી શકું નહીં, તમે તાલુકા વિકાસ અધિકારીને પૂછો. આ અંગે કપડવંજ તાલુકા વિકાસ અધિકારી બિપીન પરમારને ટેલિફોનીક સંપર્ક કરતાં તેમણે સત્તાવાર જવાબ આપવાનું ટાળ્યું હતું.