વિધાનસભા સત્રમાં રાજ્ય સરકારે જ કબુલ્યું : શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ જેવા સરકારી તાયફાઓ કરવા છતાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા જાળવી નહીં શકાતા સરકારી શાળાઓ બંધ કરવી પડી
અમરેલી, : અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં છ સરકારી પ્રાથમિક શાળાઓને અલીગઢી તાળા લાગી ગયા હોવાનુ વિધાનસભા સત્રમાં ખુદ સરકારે જ કબુલ્યું છે. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ જેવા સરકારી તાયફાઓ કરવા છતાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા જાળવી નહીં શકાતા સરકારી શાળાઓ બંધ કરવી પડી છે.
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પાટણના ધારાસભ્યે ૨૫-૦૨-૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કયા જિલ્લામાં કેટલી સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી અને તેના શું કારણો છે તેવો પ્રશ્ન પૂછયો હતો. જેનો જવાબ આપતા શિક્ષણમંત્રીએ જવાબ આપ્યો હતો કે,અમરેલી જિલ્લામાં ૬ સહિત રાજયમાં પ૦થી વધુ શાળાઓ બંધ થયા હોવાનો ખુલાસો કર્યો હતો. એકબાજુ રાજય સરકાર ગુણોત્સવ, પ્રવેશોત્સવ જેવા સરકાર તાયફાઓ કરી રહી છે તેની સામે સરકારી પ્રા.શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે.
અમરેલી જિલ્લામાં આવેલી સરકારી ૬ પ્રાથમિક શાળાઓને છેલ્લાં બે વર્ષમાં તાળા મારી દેવા પડયા છે. જેમાં ધારી તાલુકાની ફાચરીયા પ્રા.શાળા, બાબરાની સરકારી અંગ્રેજી માધ્યમ, અમરેલીની રામનગર પ્રા.શાળા, કુંકાવાવમાં ખાખરીયા પ્રા.શાળાને બંધ કરી તેના વિદ્યાર્થીઓને ૩ કિ.મી. દૂર સુર્યપ્રતાપગઢ શાળામાં મુકવામાં આવ્યા છે. લાઠીની અંગ્રેજી માધ્યમ શાળા અને રાજુલાના ડુંગર કુમાર શાળા-રને બંધ કરી દેવામાં આવી છે.
જા કે આ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ન હોવાનું અમરેલી પ્રાથમિક શિક્ષણ વિભાગે જણાવ્યું હતુ. સરકારી શાળા બંધ થવાનંુ કારણ ઘણા ઘરોમાં આજના સમયમાં વાલીઓની માનસિકતા પણ અલગ જ દિશા તરફ જાય છે. જેમાં ઘણા વાલીઓમાં એવી માનસિકતા છે કે સરકારી શાળામાં અમારૂં બાળક જશે તો તે પાછળ રહી જશે, આ સાથે તે અન્ય પ્રવૃતિમાં પણ નબળું રહી જશે આવી માનસિકતાના કારણથી પણ બાળકોને વાલીઓ સરકારી શાળામાં મુક્તા નથી તો બીજી તરફ ક્યારેક સરકારી શાળામાં શિક્ષકની આળસથી પણ વાલીઓ ડરે છે અને રાજ્ય સરકાર જે પ્રમાણે શિક્ષણની વાતો કરે છે તે મુજબ કોઈ શાળામાં કામ કરતી નથી એટલે કે શિક્ષણની માત્ર વાતો કરીને જ સંતોષ માની લે છે.