અમદાવાદ,શુક્રવાર,22
ઓગસ્ટ,2025
જીવદયાની સુફીયાણી વાતો કરનારા ભાજપના કોર્પોરેટરો તેમના
વોર્ડમાં રખડતા કૂતરાં રાખવા માટે શેલ્ટર બનાવવા તૈયાર નથી.ગાય અને કૂતરાંને
ખવડાવતા ફોટા સોશિયલ મિડીયા ઉપર અવારનવાર મુકતા કોર્પોરેટરોને કહેવાયુ કે, પ્રજાના
પ્રતિનિધિ તરીકે એબીસી રુલ્સ મુજબ રખડતા કૂતરાંને નિયંત્રણમાં લેવાની તમારી પણ એક
જવાબદારી બને છે. તે સમયે કોર્પોરેટરોએ કહયુ,
અમારા વોર્ડમાં તો ડોગ શેલ્ટર તો જોઈએ જ નહીં.
અમદાવાદમાં એક
અંદાજ મુજબ બે લાખ રખડતા કૂતરાં છે.મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ વિસ્તારમાં રખડતા
કૂતરાં પકડી તેનુ ખસીકરણ કરવા અલગ અલગ એજન્સીઓને કામગીરી આપેલી છે.વર્ષ-૨૦૧૯થી
એનિમલ બર્થ કંટ્રોલ રુલ્સ મુજબ અત્યાર સુધીમાં અંદાજે ૧.૮૯ લાખ રખડતા કૂતરાંને
પકડી તેનુ ખસીકરણ કરવામાં આવ્યુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરના વિવિધ
રસ્તાઓ ઉપરથી પકડવામા આવતા રખડતા પશુઓને રાખવા દાણીલીમડા,બાકરોલ ઉપરાંત
લાંભા, નરોડા
અને વસ્ત્રાલ ખાતે કેટલ પોન્ડ બનાવાયા છે. જેમાં રખડતા પશુને પકડીને રાખવામાં આવે
છે.આ પ્રકારે શહેરમાં રખડતા કૂતરાં રાખવા શેલ્ટર બનાવવા માટેના આયોજન અંગે હેલ્થ
કમિટીની બેઠકમાં ચર્ચા થઈ હતી. ભાજપના કોર્પોરેટરોને કહેવાયુ, તમારે બીજુ કોઈ
યોગદાન આપવાનુ નથી.માત્ર તમે તમારા વોર્ડમાં કોઈ એવો પ્લોટ બતાવો કે જયાં રખડતા
કૂતરાં રાખવા માટે ડોગ શેલ્ટર બનાવી
શકાય.જો પ્લોટ કોર્પોરેશનનો હશે તો એસ્ટેટ વિભાગ સાથે સંકલન કરી આગળની કાર્યવાહી કરાશે.
પરંતુ એક પણ કોર્પોરેટરે ડોગ શેલ્ટર બનાવવા પ્લોટ તેમના વોર્ડમાં રાખવાની કે
બતાવાની ધરાર ના પાડી દીધી હતી.
વસ્ત્રાલ અને લાંભા ખાતે ૪૦૦ કૂતરાં રાખવા ડોગ શેલ્ટર
બનાવાશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વસ્ત્રાલ અને લાંભાના
ઈન્દિરાનગર ખાતે રખડતા કૂતરાં પકડીને રાખવા માટે ડોગ શેલ્ટર તૈયાર થઈ રહયા છે.
વસ્ત્રાલ ખાતે રુપિયા ૧.૪૪ કરોડના ખર્ચે ડિસેમ્બર-૨૫ સુધીમાં ડોગ શેલ્ટર તૈયાર થઈ
જશે. લાંભા ખાતે માર્ચ-૨૦૨૬ સુધીમાં રુપિયા ૧.૨૬ કરોડના ખર્ચે ડોગ શેલ્ટર તૈયાર થઈ જશે. બંને ડોગ
શેલ્ટરમાં કુલ ૪૦૦ રખડતા કૂતરાં પકડીને રાખી શકાશે.
દર મહીને કૂતરાં કરડવાની પાંચ હજારથી વધુ ફરિયાદ
આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગત મુજબ, શહેરમાં રખડતા
કૂતરાં કરડવાના દર મહીને અંદાજે પાંચ હજાર બનાવ બને છે.છેલ્લા ચાર મહીનામાં કૂતરાં
કરડવાના વીસ હજાર બનાવ નોંધાયા છે.
પાલતુ કૂતરાં રાખનારામાં રજિસ્ટ્રેશન કરાવવાની આળસ
કોર્પોરેશને જાન્યુઆરી-૨૦૨૫થી પાલતુ કૂતરાં રાખનારા
માલિકોને તેમના કૂતરાંનુ રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવ્યુ છે. એક અંદાજ મુજબ
શહેરમાં પચાસ હજાર પાલતુ કૂતરાં તેમના માલિકો રાખી રહયા છે.પ્રતિ કૂતરાં
રજિસ્ટ્રેશન ફી રુપિયા એક હજાર સુધી કરી દેવામા આવી છે. આમ છતાં આઠ મહીનામાં માત્ર
૧૮,૩૦૦ પાલતુ
કૂતરાંનુ તેમના માલિકો દ્વારા રજિસ્ટ્રેશન કરાવાયુ છે.
રોડ ઉપર પ્રાણી-પક્ષીને ખવડાવશો તો રૃપિયા ૫૦ થી ૧૦૦ સુધીનો
દંડ થશે
મુંબઈ ખાતે કબૂતરોને ચણ નાંખવા ઉપર પ્રતિબંધ પછી વિવાદ ઉભો
થયો છે. આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ-૨૦૧૫ના હેલ્થ અને સોલિડવેસ્ટ
મેનેજમેન્ટના બાયલોઝ મુજબ,
પ્રાણીઓ કે પક્ષીઓને જાહેર રોડ ઉપર કે ફૂટપાથ ઉપર ખવડાવવા બદલ રૃપિયા ૫૦થી ૧૦૦
સુધીનો વહીવટી દંડ લેવા અંગે આગામી સમયમાં નિર્ણય લેશે એમ સત્તાવારસૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.
રખડતા કૂતરાંના ખસીકરણ પાછળ પાંચ વર્ષમાં થયેલ ખર્ચ
વર્ષ કૂતરાંની
સંખ્યા ખર્ચ(કરોડમાં)
૨૧-૨૨ ૩૦૩૬૦ ૨.૭૭
૨૨-૨૩ ૪૬૪૭૧ ૪.૪૩
૨૩-૨૪ ૪૦૨૦૬ ૩.૯૨
૨૫-૨૬ ૧૬૫૮ ૧.૬૧