વડોદરા,મુજમહુડા ડમ્પિંગ યાર્ડમાં ઉભેલા ડમ્પર પર પથ્થરમારો કરતા કાચ તૂટી ગયો હતો. જે અંગે અટલાદરા પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે.
દંતેશ્વરની અનુ સોસાયટીમાં રહેતા બાથાભાઇ સૂરાભાઇ ભરવાડે છેલ્લા એક વર્ષથી પોતાનું ડમ્પર મુજમહુડા ડમ્પિંગયાર્ડમાં ડમ્પર ભાડે આપ્યું છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૩૦ મી તારીખે મારા ડમ્પર પર રિતેશ નાકુભાઇ ડીંડોર (રહે. ગામ કોઠારીયા, તા.કુશલગઢ, રાજસ્થાન, હાલ રહે. કલાલી રોડ , વડોદરા) ડ્રાઇવર તરીકે હતો. સવારે સાડા અગિયાર વાગ્યે ડમ્પર જાંબુવા ડમ્પિંગ સાઇટ પર એક ફેરો કરી પરત મુજમહુડા આવ્યું હતું. તે દરમિયાન રામ નગરના રહીશો દોડી આવ્યા હતા. અહીંયા ડમ્પર કેમ પાર્ક કર્યુ છે. અહીંયાથી કચરો ઉંચકી લો. તેવું કહીને ડ્રાઇવરને ગાળો બોલવા લાગ્યા હતા.જેથી, ડ્રાઇવર ત્યંાથી નીકળીને પાણી પીવા જતો રહ્યો હતો.તે દરમિયાન રામનગરના લોકોએ પથ્થરમારો કર્યો હતો.પથ્થરમારામાં ડમ્પરનો કાચ તૂટી ગયો હતો. જે ઘરમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તે લોકોના નામ રાજેશભાઇ લક્ષ્મણભાઇ માળી, સકુબેન રાજેશભાઇ માળી તથા અંબાબેન માળી છે. અટલાદરા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કર્યો છે.