વડોદરાવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો વર્ષ ૨૦૨૪-૨૫માં સામાન્ય કરની આવકનો લક્ષ્યાંક ૭૨૪ કરોડ હતો, જેની સામે ૭૧૩.૧૯ કરોડની આવક થઈ છે એટલે કે ટાર્ગેટ હાંસલ કરવામાં ૧૦ કરોડથી વધુ ઘટ પડી હતી.
બાકી વેરો વસૂલ થાય તે માટે વ્યાજ વળતર યોજના કોર્પોરેશને દાખલ કરી હતી. જેમાં કોમર્શિયલ અને રહેણાંક મિલકતોનો બાકી વેરો ભરે તો ૮૦ ટકા વ્યાજ માફી અપાઈ હતી. તા.૨૦ જાન્યુથી ૩૧ માર્ચ સુધી ૫૨૫૦૦ લોકોએ આ યોજના હેઠળ બાકી વેરો ભરતા ૧૭.૫૦ કરોડ વ્યાજ માફ કરવામાં આવ્યું હતું.
જે ૭૧૩.૧૯ કરોડની આવક થઈ છે, તેમાં મિલકત વેરાની ૫૮૯.૯૨ કરોડ, વ્યવસાય વેરાની ૬૯.૧૯ કરોડ, વ્હીકલ ટેક્સની ૫૧.૨૦ કરોડ અને વોટર મીટર ચાર્જની ૨.૮૭ કરોડ આવક થઈ હતી.
મિલકત વેરાની જે આવક થઈ તેમાં વોર્ડ નં.૮માં સૌથી વધુ ૮૨.૨૨ કરોડ આવક મળી છે. એ પછી વોર્ડ ૧૦માં ૪૫.૮૮ કરોડ, વોર્ડ ૧૧માં ૪૫.૯૮ કરોડ અને વોર્ડ ૧૨માં ૪૮.૭૬ કરોડ આવક થઈ છે. સૌથી ઓચી આવક વોર્ડ નં.૬ માં ૧૩.૪૫ કરોડ, વોર્ડ ૧૫માં ૧૫.૫૫ કરોડ અને વોર્ડ ૫ માં ૧૪.૮૪ કરોડ થઈ છે.