– માર્ગ નંબર ૫ પર ખાડાં ખૈયાનો અંત
ગાંધીનગર : ગાંધીનગર શહેરની સૂરત બદલી રહેલી વિકાસ યોજનાઓમાં સૌથી મોટી અને મહત્વની મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. પરંતુ તેની કામગીરી દરમિયાન રસ્તા બંધ રહેવા અને તૂટી જવાની પણ મોટી સમસ્યા છે. ત્યારે આખરે છ ૫થી લઇને ખ ૫ સુધીના માર્ગ નંબર ૫ને મોટરેબલ કરવા માટે સેન્સરાઇઝ્ડ પેવરિંગ મશીનથી રિસર્ફેેસની કામગી શરૂ કરાઇ છે. જોકે જ્યાં મેટ્રોનું કામ બાકી હોય ત્યાં પછીથી કામ કરાશે.
રૂટમાં જ્યાં પણ મેટ્રો રેલને સંબંધિત કામગીરી કરવી બાકી હોય તેટલા ભાગમાં પછીથી કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો
કંઇક મેળવવા માટે કંઇક ગુમાવવું પડે તે ઉક્તિ પાટનગરમાં લાંબા સમયથી સાર્થક થતી નજરે પડી રહી છે. ખાસ કરીને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવામાં આવેલી મીટર મુકીને ૨૪ કલાક પીવાનું પાણી આપવાની યોજના અને ગંદા પાણીના નિકાલનું નવું નેટવર્ક સ્થાપવાની યોજના અંતર્ગત તો મુખ્ય માર્ગો અને સેક્ટરોની શેરી, ગલીઓ પણ ખોદી નાંખવામાં આવ્યાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી નગરવાસીઓ રીતસરની યાતના વેઠી રહ્યાં છે. દરમિયાન શહેરવાસીઓને અમદાવાદ સાથે જોડતી અત્યંત મહત્વની મેટ્રો રેલની કામગીરી દરમિયાન ખાસ કરીને મુખ્ય માર્ગોને વ્યાપક નુક્શાન પહોંચ્યુ છે. મેટ્રો પ્રોજેક્ટનું કામ કરતી કંપની સરકારી છે અને નિયમ એવો છે, કે તેના કામથી જ્યાં પણ રોડ ક્ષતિગ્રસ્ત બને ત્યાં જૌસે થે સ્થિતિ લાવવાની જવાબદારી તેમની જ રહે છે. પરંતુ મેટ્રોના કોન્ટ્રાક્ટરો આ કામગીરી યોગ્ય રીતે કરતાં જોવામાં આવ્યાં નથી. જોકે હવે માર્ગ નંબર ૫નું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. સેન્સર પેવરિંગ મશીન જેવી આધુનિક મશીનરી કે જેનો સામાન્ય રીતે હાઇ વેના કામમાં ઉપયોગ થતો હોય છે. તેનો પણ અહીં ઉપયોગ કરાઇ રહ્યો હોવાથી ક્યાંય સ્મુધ ગાબડાં પણ રહેશે નહીં.