Bihar Lighting Havoc: કાળઝાળ ગરમી વચ્ચે બિહારના આઠ જિલ્લામાં અચાનક વીજળી પડતાં 22 લોકોના મોત નીપજ્યા છે. બુધવારે સત્તાવાર કરવામાં આવેલી જાહેરાતમાં 13ના મોત થયા હતાં. પરંતુ ગુરૂવારે આ આંકડો વધી 22 થયો છે. મોતનો આંકડો વધવાની આશંકા છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી નિવેદન અનુસાર, આકાશમાંથી વીજળી પડતાં બેગૂસરાયમાં પાંચ, દરભંગામાં ચાર, મધુબનીમાં ત્રણ અને સમસ્તીપુરમાં એક વ્યક્તિના મોતની ખાતરી થઈ છે. બાદમાં ગુરૂવારે મોતનો આંકડો વધ્યો હતો. જેમાં બેગૂસરાય અને દરભંગામાં પાંચ, મધુબનીમાં ચાર, સમસ્તીપુર, સહરસા, ઔરંગાબાદમાં બે અને લખીસરાય તથા ગયામાં વધુ એકના મોતની માહિતી મળી હતી.
જાન-માલને ભારે નુકસાન
આકાશમાંથી વીજળી પડતાં બિહારમાં જાન-માલને ભારે નુકસાન થયું છે. મધુબનીમાં વાચસ્પતિ નાથ મહાદેવ મંદિરનું શિખર પણ ક્ષત્રિગ્રસ્ત થયુ હતું. સહરસામાં વીજ પડતાં તાડનું વૃક્ષ બળીને ખાખ થયુ હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃરેપો રેટ ઘટતાં 4 સરકારી બેન્કોએ લોનધારકોને આપી મોટી રાહત, હોમ અને કાર લોનના વ્યાજદર ઘટાડ્યાં
બુધવારે અચાનક હવામાનમાં પલટો
બિહારના આઠ જિલ્લામાં બુધવારે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. જેનાથી લોકોને ગરમીથી રાહત મળી હતી. પરંતુ થોડી જ ક્ષણોમાં વાવાઝોડા સાથે મૂશળધાર વરસાદ વરસી પડ્યો હતો. આકાશમાં પણ વીજળીના કડાકા ભડાકા સંભળાઈ રહ્યા હતાં. જેમાં સહરસામાં વીજળી પડતાં બુધવારે બે જણના મોત થયા હતાં. સહરસા જિલ્લા મુખ્યાલયમાંથી આશરે બે કિમીના અંતરે સુલિંદાબાદમાં તાડના વૃક્ષ પર વીજળી પડતાં આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે.
મધુબનીમાં મંદિરના શિખર પર તિરાડ
મધુબની જિલ્લાના અંધરાઠાઢી પ્રખંડમાં બેલ્હાના વાચસ્પતિ નાથ મહાદેવ મંદિર પર વીજળી પડતાં મંદિરનું શિખર ક્ષતિગ્રસ્ત થયુ હતું. જેમાં તિરાડ પડી ગઈ હતી. જો કે, બાકીનો હિસ્સો અને શિવલિંગ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઠાઢી ગામનું બેલ્હા મહારકા વાચસ્પતિ નાથ મહાદેવ મંદિર અત્યંત પ્રાચીન અને સિદ્ધ સ્થળ ગણાય છે.
વળતરની જાહેરાત
મુખ્યમંત્રી નીતિશ કુમારે કુદરતી આફતના કારણે નીપજેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમજ મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની જાહેરાત કરી હતી. સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, કુમારે રાજ્યના લોકોને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા આપવામાં આવતી સલાહ અને એલર્ટનું પાલન કરવા અપીલ કરી છે. આ વર્ષે રાજ્યની વિધાનસભામાં રજૂ કરવામાં આવેલું બિહાર આર્થિક સર્વેક્ષણ (2024-25)ના રિપોર્ટ અનુસાર, રાજ્યમાં 2023માં વીજળી પડતાં 275 લોકોના મોત થયા હતાં.