અમદાવાદ,ગુરુવાર,10 એપ્રિલ,2025
બુધવારે મોડી રાત્રિના બે કલાકના સુમારે શહેરના પ્રેમદરવાજા
વિસ્તારમાં આવેલા સિંગ-ચણાંના પેકેજિંગ ગોડાઉનમાં ભીષણ આગ લાગતા આસપાસના
વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો.ત્રણ કલાકની જહેમત પછી ફાયર વિભાગની ટીમ
આગને કાબૂમાં લઈ શકી હતી. આગ લાગવાનુ ચોકકસ કારણ જાણી શકાયુ નથી. ૫૦ વર્ષ જુના
સ્ટ્રકચરને આગથી ભારે નુકસાન થયુ હતુ.
ફાયર સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ, બુધવારે
મોડીરાત્રિના સુમારે પ્રેમદરવાજા બહાર આવેલા રિવાઈન્ડ કંપનીના સિંગચણાંના પેકેજિંગ
ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ ફાયર કંટ્રોલને મળ્યો હતો. ફાયરની ટીમ સ્થળ ઉપર
પહોંચતા આગ વિકરાળ બની હોવાનુ દેખાતા આસપાસના ફાયર સ્ટેશન ખાતેથી વોટર બાઉઝર, ફાયર ફાઈટર,મીની ફાયર ફાઈટર
સહીત કુલ વીસ જેટલા વાહનની મદદથી અધિકારીઓ અને જવાનો દ્વારા આગ બુઝાવવા પાણીનો
મારો ચલાવવામાં આવ્યો હતો. ફાયરના એક અધિકારીના કહેવા મુજબ, જે બિલ્ડિંગમાં
આગ લાગી હતી તે બિલ્ડિંગ ગ્રાઉન્ડ ઉપરાંત બે માળનુ પચાસ વર્ષ જુનુ બિલ્ડિંગ હતુ.
આગ હોલવવામાં આવી પરંતુ આગના કારણે વર્ષો જુના આ બિલ્ડિંગના સ્ટ્રકચરને ભારે
નુકસાન થવા પામ્યુ હતુ.જો કે આગની આ ઘટનામાં કોઈને ઈજાકે જાનહાની થવા પામી નહતી.