![]()
Jayshree Ullal becomes world’s richest Indian-origin CEO : વૈશ્વિક ટેકનોલોજી ઉદ્યોગમાં જ્યારે પણ ભારતીય મૂળના સૌથી ધનિક CEOની વાત થતી, ત્યારે વર્ષોથી માઈક્રોસોફ્ટના સત્યા નદેલા અને ગૂગલના સુંદર પિચાઈનું નામ સૌથી પહેલા આવતું હતું. પરંતુ હવે આ તસવીર સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025એ આ યાદીમાં એક નવું અને ઐતિહાસિક નામ જોડ્યું છે – અરિસ્ટા નેટવર્ક્સના અધ્યક્ષ અને CEO જયશ્રી ઉલ્લાલ.
Hurunના રિપોર્ટ મુજબ, જયશ્રી ઉલ્લાલની કુલ સંપત્તિ 50,170 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ આંકડો તેમને માત્ર સત્યા નદેલા અને સુંદર પિચાઈથી આગળ નથી લઈ જતો, પરંતુ તેમને દુનિયાના સૌથી ધનિક ભારતીય મૂળના પ્રોફેશનલ CEO બનાવે છે. સરખામણી કરીએ તો, સત્યા નદેલાની સંપત્તિ લગભગ 9,770 કરોડ રૂપિયા અને સુંદર પિચાઈની સંપત્તિ લગભગ 5,810 રૂપિયા કરોડ આંકવામાં આવી છે.
અરિસ્ટા નેટવર્ક્સની સફળતા અને ઉલ્લાલની ભૂમિકા
જયશ્રી ઉલ્લાલ 2008થી અરિસ્ટા નેટવર્ક્સનું નેતૃત્વ કરી રહ્યા છે. ક્લાઉડ નેટવર્કિંગ અને હાઈ-પર્ફોર્મન્સ ડેટા સેન્ટર્સના ક્ષેત્રમાં આ કંપની આજે વૈશ્વિક લીડર તરીકે ઓળખાય છે. ફોર્બ્સ અનુસાર, 2024માં અરિસ્ટા નેટવર્ક્સની વાર્ષિક આવક લગભગ 7 બિલિયન ડોલર રહી હતી, જે પાછલા વર્ષની સરખામણીમાં લગભગ 20 ટકાનો મજબૂત વધારો દર્શાવે છે. કંપનીની આ સફળતામાં ઉલ્લાલની વ્યૂહાત્મક વિચારસરણી અને ટેક્નિકલ સમજની મોટી ભૂમિકા માનવામાં આવે છે. તેમની પાસે અરિસ્ટા નેટવર્ક્સના લગભગ 3 ટકા શેર છે અને કંપનીના શેરમાં આવેલા જબરદસ્ત ઉછાળાએ તેમની નેટવર્થને નવી ઊંચાઈ પર પહોંચાડી દીધી છે.
લંડનથી દિલ્હી અને પછી અમેરિકા સુધીની સફર
જયશ્રી ઉલ્લાલનો જન્મ 27 માર્ચ, 1961ના રોજ લંડનમાં એક ભારતીય મૂળના પરિવારમાં થયો હતો. ખૂબ જ નાની ઉંમરે તેઓ ભારત આવી ગયા અને તેમનો પ્રારંભિક અભ્યાસ નવી દિલ્હીમાં થયો. તેમના પિતા એક પ્રતિષ્ઠિત ભૌતિકશાસ્ત્રી હતા અને IITsની સ્થાપના સાથે સંકળાયેલા શૈક્ષણિક માળખામાં તેમનું મહત્વનું યોગદાન હતું. દિલ્હીની જીસસ એન્ડ મેરી કોન્વેન્ટ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યા બાદ તેમનો પરિવાર અમેરિકા સ્થાયી થયો, જ્યાંથી તેમની કારકિર્દીને આંતરરાષ્ટ્રીય દિશા મળી.
અમેરિકામાં અભ્યાસ અને સિસ્કોમાં કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ
અમેરિકામાં, જયશ્રી ઉલ્લાલે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી અને બાદમાં એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે AMD અને ફેરચાઈલ્ડ સેમિકન્ડક્ટર જેવી દિગ્ગજ કંપનીઓમાં કામ કર્યું. જોકે, સિસ્કો (Cisco) સાથેનું જોડાણ તેમની કારકિર્દીનો મોટો વળાંક સાબિત થયું, જ્યાં તેમણે સ્વીચિંગ ડિવિઝનને કંપનીના સૌથી મજબૂત બિઝનેસ સેગમેન્ટમાં ફેરવી દીધું. 2008માં, તેમણે સિસ્કો છોડીને અરિસ્ટા નેટવર્ક્સની કમાન સંભાળી. તે સમયે અરિસ્ટા એક નાની કંપની હતી અને મર્યાદિત સંસાધનોમાં કામ કરી રહી હતી, પરંતુ તેમના નેતૃત્વ હેઠળ કંપનીએ વૈશ્વિક ટેક માર્કેટમાં પોતાની આગવી ઓળખ બનાવી.










