અમદાવાદ,શનિવાર
નજર ચુકવીને એટીએમ કાર્ડની ચોરી કરીને કે એટીએમમાં ખાતેદાર દ્વારા ભુલી જવામાં આવેલા એટીઅમ કાર્ડ દ્વારા નાણાં ઉઠાંતરી કરીને નાણાં ઉપાડીને ગુનો આચરતા એક આરોપીની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરીને તેની પાસેથી ૧૭૬ જેટલા ડેબીટ કાર્ડ જપ્ત કર્યા છે. સુરતમાં રહેતો યુવક અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં ેએટીએમ પાસે વોંચ ગોઠવીને રહેતો હતો અને તક મળતા તે એટીએમ કાર્ડ બદલીને પીન નંબર જાણીને નાણાં ઉપાડી લેતો હતો. આ અંગે કાગડાપીઠ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં થોડા દિવસ પહેલા એટીએમમાંથી એક સિનિયર સિટીઝનની નજર ચુકવીને એક ગઠિયાએ એટીએમ કાર્ડ બદલીને નાણાંની ઉપાડી લીધાની ફરિયાદ નોંધાઇ હતી. જે અનુસંધાનમાં પોલીસે એટીએમના કેમેરાના ફુટેજના આધારે તપાસ કરીને અમિત જૈન ( પુજા એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ, સુરત)ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી વિવિધ બેંકોના ૧૭૬ જેટલા એટીએમ કાર્ડ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસને આરોપી પાસેથી ૨૫ હજારની રોકડ અને અન્ય મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ એ ગોહિલે જણાવ્યુ કે આરોપી અમિત જૈન અમદાવાદ, સુરત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં ફરતો હતો. જેમાં તે એટીએમ નજીક રહીને નાણાં ઉપાડવા આવેલી વ્યક્તિને મદદ કરવાનું કહીેને એટીએમ કાર્ડનો પીન નંબર જાણી લેતો હતો. ત્યારબાદ નજર ચુકવીને તે એટીએમ કાર્ડ બદલીને અન્ય એટીએમમાં જઇને એટીએમમાંથી નાણાં ઉપાડી લેતો હતો. આ ઉપરાંત, તેને એટીએમમાંથી કોઇ વ્યક્તિના ભુલાઇ ગયેલા કાર્ડ પણ મળ્યા હતા. જેમાં તે અંદાજે પીન નંબર નાખીને નાણાં ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. જેમા કેટલાંક કિસ્સામાં તેને સફળતા મળી હતી. અત્યાર સુધીમાં તેણે કેટલા નાણાં ઉપાડયા? તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે કેટલાંક કાર્ડ બેંક એકાઉન્ટ ધારકોએ બ્લોક કરાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અમિત જૈન મુળ રાજસ્થાનનો વતની હતો અને તે સુરતમાં બુલિયનનો કારોબાર કરતો હતો. જો કે ધંધામાં નુકશાન જતા તેણે એટીએમ કાર્ડ બદલીને નાણાં ઉપાડવાનો ગુનો આચરવાનું શરૂ કર્યું હતું.