– ચાર શખ્સ સામે પોલીસમાં ફરિયાદ
– અગાઉના મનદુઃખમાં ધોકા અને લોખંડના પાઈપ વડે મારમારી ઈજાઓ પહોંચાડી
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના ધોળી ગામની સીમમાં ભેચડા ગામ તરફ જવાના રસ્તે અગાઉ માતાજીના મઢમાં દર્શન નહિં કરવા બાબતે ચાલી રહેલ મનદુઃખની દાઝ રાખી એક શખ્સને લોખંડનો પાઈપ, લાકડાનો ધોકા વડે મારમારી ઈજાઓ પહોંચાડયાની તેમજ મારી નાંખવાની ધમકી અંગે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ધ્રાંગધ્રાના ધોળી ગામે ફરિયાદી હરેશભાઈ ભુપતભાઈ લોલાડીયા અને તેમના પત્ની વિલાસબેન વાડીએ તલનું વાવેતર કર્યું હોય રાત્રીના સમયે તલ ટોવા કરવા ગયા હતા. તે દરમ્યાન પરિવારના જ ચાર કુટુંમ્બીજનોએ બાઈક પર આવી એકસંપ થઈ લાકડાના ધોકા, લોખંડના પાઈપ વડે હરેશભાઈને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે હરેશભાઈએ માવજીભાઈ પ્રેમજીભાઈ લોલાડીયા, ચકુભાઈ પ્રેમજીભાઈ લોલાડીયા, પ્રેમજીભાઈ રામુભાઈ લોલાડીયા અને સુરેશભાઈ મધુભાઈ લોલાડીયા (તમામ રહે.ધોળી) સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ગામમાં રહેતા ૩૫ જેટલા કુટુંબ પૈકી ફરિયાદીના પરિવારને નાતમાંથી બહાર કાઢી નાંખ્યા છે અને મઢમાં દર્શન કરવા નહિં દેવા બાબતનું મનદુઃખ ચાલતું હતું જે અંગેની દાઝ રાખી ફરિયાદીને મારમાર્યો હોવાનું સામે આવ્યું હતું.