Jamnagar : વિશ્વભરમાં દર વર્ષે 18મી એપ્રિલના રોજ ઉજવાતા ‘વિશ્વ હેરિટેજ ડે’ નિમિત્તે જામનગરના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી આજે શહેરના ઐતિહાસિક સ્થળોએ ‘હેરિટેજ વોક વીથ ક્વિઝ’નું આયોજન કરવામાં આવ્યું હતું. પરિભ્રમણ અને એસેન્ટ્રક એડવેન્ચર્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો આ કાર્યક્રમ સંપૂર્ણપણે વિનામૂલ્યે રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકો, ઇતિહાસ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ વિશેષ હેરિટેજ વોકનો મુખ્ય ઉદ્દેશ જામનગરના ગૌરવશાળી ભૂતકાળ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લેવાનો અને તે સ્થળોના ઇતિહાસ, સ્થાપત્ય અને સાંસ્કૃતિક મહત્વ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવાનો હતો. સવારે બરાબર 07:00 વાગ્યે શહેરના ઐતિહાસિક ભુજીયા કોઠા પાસે આવેલા પેટ્રોલ પંપ નજીકથી આ વોકનો પ્રારંભ થયો હતો.
વોક દરમિયાન સહભાગીઓને ભુજીયા કોઠાથી લઈને દરબારગઢ સુધીના માર્ગમાં આવતા અનેક ઐતિહાસિક અને નોંધપાત્ર સ્થળો જેવા કે લાખોટા તળાવ, ભુજીયો કોઠા, ખંભાળિયા ગેટ, દરબાર ગઢ સહીત જુની બજારો અને દરબારગઢ પરિસર સહિતના સ્થળોની મુલાકાત કરાવવામાં આવી હતી. દરેક સ્થળ પર માર્ગદર્શક દ્વારા તે જગ્યાના ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો રજૂ કરવામાં આવી હતી, જેણે સહભાગીઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો.
આ કાર્યક્રમની વિશેષતા ‘ક્વિઝ’ હતી, જેણે વોકને વધુ ઇન્ટરેક્ટિવ અને મનોરંજક બનાવ્યો હતો. દરેક ઐતિહાસિક સ્થળ પર પહોંચ્યા બાદ, તે સ્થળ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સહભાગીઓ પૈકી જે વ્યક્તિ સાચો અને ઝડપી જવાબ આપતો હતો, તેને તુરંત સ્થળ પર જ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવતા હતા. આ પ્રવૃત્તિએ સહભાગીઓને ઇતિહાસ જાણવા અને યાદ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનું વાતાવરણ જાળવી રાખ્યું હતું.
આ હેરિટેજ વોકમાં નાના બાળકોથી માંડીને વડીલો સુધીના દરેક વય જૂથના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિશ્વ હેરિટેજ ડે નિમિત્તે યોજાયેલો આ ‘હેરિટેજ વોક વીથ ક્વિઝ’ જામનગરના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવા અને ભાવિ પેઢીને તેનાથી માહિતગાર કરવાના પ્રયાસ રૂપે સફળ રહ્યો હતો.