મુંબઈ : વર્તમાન નાણાં વર્ષમાં ભારતનું કોલસા ઉત્પાદન એક અબજ ટન સાથે વિક્રમી રહ્યું છે. ગયા નાણાં વર્ષમાં કોલસા ઉત્પાદનનો આંક ૯૯.૭૮ કરોડ ટન રહ્યો હતો. ઊર્જા સલામતિ, આર્થિક વિકાસ અને સ્વાવલંબી બનવાની ભારતની કટિબદ્ધતા આના પરથી સિદ્ધ થાય છે, એમ કોલસા ઉત્પાદનના આંક સંદર્ભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
વર્તમાન નાણાં વર્ષ સમાપ્ત થવાને એક સપ્તાહને વાર છે ત્યારે દેશનું કોલસા ઉત્પાદન ૧.૦૩ અબજ ટન જોવા મળ્યું છે.
ભારતમાં વીજનું ૭૪ ટકા ઉત્પાદન કોલસા આધારિત પાવર પ્લાન્ટસમાં થાય છે. સુધારા અને નીતિઓમાં ફેરબદલને પરિણામે કોલસાનું વિક્રમી ઉત્પાદન શકય બન્યું હોવાનું એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું.
કોલ બ્લોકસના ઓકશન મારફત ખાનગી કંપનીઓને કોલસા ક્ષેત્રમાં પ્રવેશ તથા માઈન્સ અને મિનરલ્સ (વિકાસ તથા નિયમન) ધારામાં સુધારા સહિતના પગલાં દેશમાં કોલસાનું ઉત્પાદન વધારવા માટે કારણભૂત રહ્યા છે.
ઘરઆંગણે કોલસાના ઉત્પાદનમાં વધારાથી આયાત પર નિર્ભરતા ઘટી છે. એપ્રિલથી ડિસેમ્બર, ૨૦૨૪ના ગાળામાં દેશની કોલસા આયાતમાં ૮.૪૦ ટકા ઘટાડો નોંધાયો છે. જેને કારણે અંદાજે ૫.૪૩ અબજ ડોલરના ફોરેકસ રિઝર્વની બચત થઈ શકી હોવાનો પણ નિવેદનમાં દાવો કરાયો છે.
વિશ્વમાં ચીન બાદ ભારત કોલસાનો બીજો મોટો ઉત્પાદક દેશ છે. ઊંચી ગુણવત્તાના કોલસાની આયાત ઈન્ડોનેશિયા તથા ઓસ્ટ્રેલિયા ખાતેથી કરવામાં આવે છે.