– કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા
– 350 દુકાનદારોના જીવ તાળવે ચોંટયા : મિલકત જર્જરિત અને ભયજનક હોવાથી નિર્ણય કરાયો
આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકામાં હવે સુપર માર્કેટની ૩૫૦ દુકાનોનો મામલો પેચીદો બની રહ્યો છે. આજે મહાનગરપાલિકા દ્વારા સુપર માર્કેટમાં દુકાનદારોને ૧૦ દિવસમાં દુકાન ખાલી કરવાનું અલ્ટીમેટમ આપી જાહેરમાં બોર્ડ લગાવી દેતા હવે વેપારીઓમાં ઉચાટ વ્યાપ્યો છે.
આણંદ સુપર માર્કેટમાં મનપા દ્વારા લગાવેલા બોર્ડમાં લેખિતમાં આદેશ કરતા જણાવ્યું છે કે, આ મિલકત કરમસદ આણંદ મહાનગરપાલિકા, આણંદની માલિકીની હોવાથી તેમજ મિલકત જર્જરિત અને ભયજનક જણાઈ આવેલી છે. ત્યારે તમામ કબજેદારો દિન (૧૦)માં પોતાનો કબજો ખાલી કરી કરમસદ આણંદ મહાનગરપાલિકાને સોંપી દેવા જણાવવામાં આવે છે. જો તેમ કરવામાં કસુર થશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે કબજેદારોની રહેશે.
મનપા દ્વારા એકાએક આજે સુપર માર્કેટમાં કબજેદારોને દસ દિવસમાં દુકાનો ખાલી કરવાનું બોર્ડ લગાવી દેવાતા હવે વેપારીઓએ ગભરાહટ સાથે દોડધામ શરૂ કરી દીધી છે.